News of Monday, 5th August 2024
વડોદરાની સયાજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમા : એક ઘાયલ દર્દીને હોસ્પિટલના કોઈ નિષ્ણાત કે તબીબ દ્વારા નહિ પરંતુ એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા ટાંકા લેવામાં આવ્યા
આ મામલે હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.રંજન ઐયર દ્વારા તપાસના આદેશ : કસૂરવાર સામે પગલા લેવાની કાર્યવાહી કરાશે

વડોદરા તા.૫ : વડોદરાની સયાજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં આવી. હવે તો હદ એ થઇ ગઈ કે એક ઘાયલ દર્દીને હોસ્પિટલના કોઈ નિષ્ણાત કે તબીબ દ્વારા નહિ પરંતુ એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા ટાંકા લેવામાં આવ્યા. જેનો વીડિયો વાયરલ થઇ જતા તંત્ર દોડતું થયું છે. આ મામલે હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.રંજન ઐયર દ્વારા તપાસના આદેશ આપ્યા છે અને કસૂરવાર સામે પગલા લેવાની કાર્યાવાહી કરાશે તેમ જણાવ્યું છે.
વડોદરા શહેરની તેમજ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પીટલ તરીકે જાણીતી સયાજી હોસ્પિટલ અનેક બાબતે ચર્ચામાં રહેતી હોય છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ જો આ જ હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે રમત થતી હોય તો તે એક ગંભીર વિષય બની જાય છે. અને આવું જ વધુ એક વખત સયાજી હોસ્પિટલમાં જોવા મળ્યું છે.
જ્યાં સયાજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જાતે જ એક ઘાયલ દર્દીના ટાંકા લીધા. કોઈ નિષ્ણાત તબીબની જેમ ટાંકા લેતો ડ્રાઈવરનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે ફરી એકવાર સયાજી હોસ્પિટલ પર બેદરકારી તેમજ દર્દીઓના જીવ સાથે ચેડાં કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. જોકે, આ વિડિયો વાયરલ થતા હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે. અને આ બાબતે એમ્બ્યુલન્સ અને ડ્રાઈવરને શોધવા તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ હોસ્પિટલમાં આ પ્રકારે દર્દીના સ્વાસ્થય સાથે ચેડા થાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠયા છે.
બીજી તરફ સયાજી હોસ્પિટલનો આ વાયરલ વીડિયોના મામલે હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.રંજન ઐયરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, અનધિકૃત વ્યક્તિએ સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ઘાયલ દર્દીને ટાંકા લીધા. અમે તપાસના આદેશ આપ્યા છે. આ એક ગંભીર વિષય છે. કોઈ અનધિકૃત વ્યક્તિએ હોસ્પિટલના ગ્લોવ્સ અને સાધનોનો પણ ઉપયોગ કર્યો છે. જેથી આ અંગે વિભાગના હેડ તેમજ રેસિડેન્ટ તબીબનો પણ ખુલાસો પૂછાશે. અને સમગ્ર તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. જોકે, આ વીડિયો જુનો છે કે નવો તેની પણ અમે તપાસ કરી રહ્યા છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
