News of Thursday, 8th August 2024
અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં કાનમાં ફંગસની સમસ્યાનાં દરરોજ ૩૦ દર્દીઓ
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઇન્ફેકશનનું પ્રમાણ વધતા દર્દીઓની સંખ્યા વધી

અમદાવાદ, તા., ૮: ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં કાનમાં ફંગસ ઈન્ફેક્શનના ૧૫થી ૨૦ ટકા જેટલો વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં રોજના આ ફંગસની સમસ્યા સાથે ૩૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. બાળકોથી વળદ્ધો ઓટો માઈકોસીસ ફંગસનો શિકાર બની રહ્યા છે. કાનમાં સોજો અને દુઃખાવાની તકલીફના કિસ્સામાં તબીબી સારવાર લેવી હિતાવહ છે, યોગ્ય સારવાર ના મળે તો બહેરાશનો ખતરો રહે છે.
સોલા સિવિલ હોસ્પિટલના ENT વિભાગના વડાં ડોક્ટર નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, કાનમાં ફંગસ ઈન્ફેક્શનના કેસ હાલ વધ્યા છે. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આવા કિસ્સા વધુ આવે છે. કાનના મશીનથી ફૂગ કાઢવામાં આવે છે, આવા કિસ્સામાં બહેરાશ જેવા જોખમ ટાળવા સારવાર લેવી આવશ્યક છે. ઘરગથ્થું નુસખા ટાળવા જોઈએ.
સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો મુજબ, છેલ્લા ૧૫ દિવસમાં તાવ, ખાંસી, શરદી સહિતના વાયરલ ઈન્ફેક્શનના ૩, ૬૭૦ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૫૫૨ શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમાં ૮૮ પોઝિટિવ કેસ છે. મેલેરિયાના ૪૬૮ શંકાસ્પદ કેસમાંથી ૨૦ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચિકુનગુનિયાના ૨૪ શંકાસ્પદ કેસમાથી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝાડા ઉલ્ટીને લગતા કેસ વધી રહ્યા છે.(૪.૧૭)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
