<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાજ્યના 77 તાલુકામાં વરસાદી માહોલ:સાયલામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

તલાલામાં 20 મિ.મી., અમરેલી અને બગસરામાં 17-17 મિ.મી., રાજકોટ અને ધોરાજીમાં 15-15 મિ.મી., સુરતના પલસાણામાં 14 મિ.મી. વરસાદ

અમદાવાદ : રાજયમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ પડતા હતા. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 77 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સૌથી વધુ 3 ઈંચથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં જ ખાબક્યો છે. આ સિવાય તાપી જિલ્લાના સોનગઢમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય અન્ય તાલુકામાં વરસાદના આંકડા જોઈએ તો, ગીર સોમનાથના તલાલામાં 20 મિ.મી., અમરેલી અને બગસરામાં 17-17 મિ.મી., રાજકોટ અને ધોરાજીમાં 15-15 મિ.મી., સુરતના પલસાણામાં 14 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 10 મિ.મી. અને ભાવનગરના તળાજામાં 10 મિ.મી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 67 તાલુકામાં વરસાદનો આંકડો સિંગલ ડિજિટમાં રહ્યો છે.

જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો, જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મેઘાવી માહોલ જામ્યો હતો. સાયલામાં સાંજે 4 થી 8 વાગ્યા સુધીના 4 કલાકના સમયગાળામાં જ 3 ઈંચથી વધુ વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેને પગલે ભીંજાવા માટે નાના ભૂલકાઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

(10:16 PM IST)