<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠકમાં મનસુખભાઈ વસાવા અને ચૈતર વસાવાએ પ્રશ્નો કર્યા

બેઠકમાં મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવાને તેમના ઘર મુદ્દે વ્યક્તિગત સવાલ કર્યો જેથી ચૈતર વસાવાએ મનસુખભાઇને પોતે ચેક કરવા માટે પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા જિલ્લામાં રોડ-રસ્તા રિપેરિંગ અને નવા માર્ગો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સરકારી ગ્રંથાલય દેડિયાપાડા, આરોગ્ય વિભાગની યોજનાઓ, દેડિયાપાડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના તબીબી સ્ટાફની ઘટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્થાનિકોને રોજગારીની પ્રાથમિકતા અંગે, જિલ્લાની આઈટીઆઈમાં સ્થાનિક યુવાનો માટે રોજગાર સર્જન કરી શકે તેવા નવા ટ્રેડ શરૂ કરવા, સરકારી જમીનો અને વન વિસ્તારની જમીનોમાં થયેલા દબાણો અંગેના પ્રશ્નો બેઠકમાં રજૂ કર્યા હતા. જેનો જિલ્લાના અમલીકરણ અધિકારીઓ દ્વારા જવાબ અને કરેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંહભાઈ તડવી દ્વારા નાંદોદ તાલુકા વિસ્તારના ગામમાં સરકારી જમીનમાં થયેલા દબાણો અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો.
જ્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ દેડિયાપાડા- સાગબારા વિસ્તારના લોકહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. અને આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવાને તેમના ઘર મુદ્દે એક વ્યક્તિગત સવાલ કર્યો હતો. આ ઘર મુદ્દે ચૈતરભાઈ વસાવાએ ખુલાસો આપ્યો હતો અને તમામ હકીકતને અને ઘર અને જમીન સહિતના દાવાઓને પોતે ચેક કરવા માટે ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ પણ આપ્યું હતું

(11:13 PM IST)