News of Thursday, 22nd August 2024
નરેન્દ્રભાઇ ૧૦ વર્ષથી વડાપ્રધાન છે છતા નર્મદા યોજના રાષ્ટ્રીય યોજના કેમ જાહેર કરતા નથી?
ભુતકાળમાં ભાજપે જે માંગણીઓ કરેલ તે માંગણીઓ બાબતે આજે મોૈન હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા કોઇ પેકેજ કેમ નહિ?: અમિત ચાવડાના પ્રહારો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.રરઃ ગઇકાલે વિધાનસભા ખાતે આભાર પ્રસ્તાવમાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી સંકલ્પ લઈને આવ્યા છે ત્યારે હું વ્યક્તિગત રીતે શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપું છું. સાથે છેલ્લા દસ વર્ષથી દેશના ગરીબો, વંચિતો, પીડિતો, દલિતો, પછાત, ખેડૂત, યુવાનો, મહિલાઓ હોય કે અગ્નિવીર હોય એવા સમાજના બધા વર્ગનો અવાજ સંસદમાં રજૂ થઇ શકતો નહોતો પણ આ અવાજને બુલંદીથી રજૂ કરવાવાળા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પણ મળ્યા છે એમને પણ આ તબક્કે હું અભિનંદન આપું છું. જે રીતે ૪૦૦ પારની વાત થઈ હતી એ વ્યક્તિની ગેરંટીની વાત થઇ હતી. દેશે જે જનાદેશ આપ્યો એ વ્યક્તિની ગેરંટીને નકારવાવાળો જનાદેશ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું જે શાસન હતું એને પણ નકારતો જનાદેશ આપ્યો છે. આજે ટેકાવાળી સરકાર છે અને એના જ કારણે એક પછી એક નિર્ણયો પાછા ખેંચવા પડે છે.
નરેન્દ્રભાઈ પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે આજ ગળહમાં કહેવાતું હતું કે, હવે તો આપણા વડાપ્રધાન છે મોસાળમાં મા પીરસવાવાળી એટલે ગુજરાતને કોઈ ચિંતા કરવાની નહીં રહે, ૨૬-૦ બે વખત આપી. આ વખતે બ્રેક આવી પણ આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતને શું મળ્યું? ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે જે મુદ્દાઓ માટે આંદોલનો થતા હતા. વિરોધ થતો હતો. અન્યાય થાય છે એવા ભાષણો થતા હતા અને પેલી થપ્પડની જાહેરાતો આવતી હતી એ થપ્પડની જાહેરાત આજે પણ એવી ને એવી ઊભી છે.
ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૧૪ સુધી નર્મદા યોજના રાષ્ટ્રીય યોજના જાહેર કરવી જોઇએ એવી અનેકવાર માંગણીઓ કરી. એમાં અન્યાય થાય છે એવા અનેકવાર ભાષણો પણ થયા. અન્યાયની જાહેરાતો પણ થઈ. આ દસ વર્ષ શાસન રહ્યું અને આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તો નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના શા માટે જાહેર થતી નથી?
તેમણે જણાવેલ કે, ગુજરાતમાં અત્યારે હિરા ઉદ્યોગ મંદીમાં છે. એના માટે કોઈ વિશેષ પેકેજ કે બજેટ આવ્યું હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો આવકાર્ય હોત. નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરીને આપણે અભિનંદન આપ્યા હોત તો આવકાર્ય હોત. ગુજરાત પヘમિ રેલવેનું વડુ મથક જાહેર થયું હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો આવકાર્ય હોત.ગુજરાતના ખેડૂતોના દેવા માફ થયા હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત આવકાર્ય હોત. ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરવા માટે કોઈ યોજના આવી હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો આવકાર્ય હોત.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
