News of Tuesday, 27th August 2024
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં શાળા- કોલેજો બંધ રહેશે : જાણો ક્યાં ક્યાં જિલ્લાઓમાં રજા જાહેર
વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના કારણે વાહનવ્યવહાર ઠપ:વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઇ વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર

અમદાવાદ : છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે રોજિંદા જીવન પર પણ વર્તાઇ છે. ત્યારે આ ટાણે રાજ્યના મોટા ભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
રાજ્યમાં પડેલ ભારે વરસાદના કારણે જિલ્લા તંત્ર દોડતુ થઇ ગયુ છે. વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે ત્યારે વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઇ વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
અમદાવાદ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહિસાગર, કરછ અને મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી શાળાઓ તથા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. જોકે અનેક શાળાઓમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે બુધવાર સુધી રજા હતી. ત્યારે ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઇ નિર્ણય લેવામાં આવ્યો હતો
બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ થી જિલ્લાના અનેક ગામ અને શહેર પ્રભાવિત થયા હતા. જેમાં મોટા ભાગના જિલ્લાઓના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ જતા સ્થિતી કથળી હતી.
ગતરોજ પડેલ ભારે વરસાદને લઇ આજે એટલે કે તારીખ 27 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા રજા આપી દેવામાં આવી હતી. ત્યારે મેધરાજાની બેટીંગ ચાલુ રહેતા આવતીકાલના રોજ રાજ્યના મોટાભાગના જીલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે મેધરાજાની ધમાકેદાર બેટિંગ અને રજાના કારણે ભૂલકાને મજા પડી ગઇ છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
