તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
ડીપ ડિપ્રેશન સિસ્ટમ અપડેટ : વરસાદી સિસ્ટમ છેલ્લી 6 કલાક દરમ્યાન પ્રતિ કલાકે 10 કિ.મી. ની ખુબ ધીમી ગતિએ મુખ્યત્વે પશ્ચિમ દિશામાં આગળ વધી : આવતા 24 કલાક દરમ્યાન પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના
હજુ 24 કલાક સુધી દક્ષિણ - પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય - ઉતર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે : વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીન્ગા

રાજકોટ : આજે સવારે સાડા પાંચ વાગ્યાની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન સિસ્ટમ કચ્છમાં ભુજ થી 50 કિ.મી. ઉતર - ઉતર પૂર્વ દિશામાં સ્થિત હતી. વરસાદી સિસ્ટમ છેલ્લી 6 કલાક દરમ્યાન પ્રતિ કલાકે 10 કિ.મી. ની ખુબ ધીમી ગતિએ મુખ્યત્વે પશ્ચિમ દિશામાં આગળ વધી છે અને આગળ પણ મુખ્યત્વે પશ્ચિમ-પશ્ચિમ-દક્ષિણ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે.
ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સિસ્ટમની ધીમી ગતિ જોતા હજુ 24 કલાક સુધી દક્ષિણ - પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય - ઉતર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. સિસ્ટમની દિશા અને ટ્રેક બાબતે વિવિધ વરસાદી મોડલોમાં મતમતાંતર છે, પણ બધાની સરેરાશ આગાહી જોતા, હજુ સિસ્ટમ 24 કલાક સુધી કચ્છ અને લાગુ પાકિસ્તાન બોર્ડર વિસ્તાર ઉપર જ રહે, મજબૂત જ રહે અને ત્યારબાદ બોર્ડર લાગુ અરબ સાગરમાં પ્રવેશ કરે તેવું લાગી રહ્યું છે.
જેથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે તે હજુ 24 કલાક સુધી યથાવત ચાલુ રહી શકે. હવામાન વિભાગે આવતા 24 કલાક દરમ્યાન આ સાથેના ચિત્રમાં બતાવ્યા મુજબના વિસ્તારો માટે પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના જાહેર કરી છે તેમ વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીન્ગા એ જણાવ્યું છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
