<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

વિશ્વામિત્રી વેરણ બની: હરણી વિસ્તારની સોસાયટીઓ બેટમાં ફેરવાઇ: ફ્લેટમાં ફસાયાં, ખાવા-પીવાનું ખૂટ્યું

ફાયર વિભાગની માત્ર એક બોટ દ્વારા રેસ્ક્યુ કરાતાં હાલાકી

અમદાવાદઃ  ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ બેકાબૂ છે. સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરાના હરણી વિસ્તારમાં પાણી ભરાતાં લોકોની દયનીય હાલત બની છે. હરણીની ઘણી સોસાયટીઓમાં કેડ કેડ સમા પાણી ભરાતાં હજારો લોકોને ફ્લેટમાં ફસાઈ જવાનો વારો આવ્યો છે.
ચોંકાવનારી વાત એ છે કે ફાયર વિભાગની એક જ બોટ રેસ્ક્યૂમાં લાગેલી છે એટલે લોકોને વધારે સમય પાણીમાં રહેવાનો વારો આવ્યો છે. લોકો ફાયરના અધિકારીઓ સાથે માથાકૂટ કરતાં પણ જોવાયાં હતા.
વડોદરામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લોકો ઘરોમાં કેદ થયાં છે. 2 દિવસ થવા છતાં હજુ પણ તંત્ર પહોંચી શક્યું નથી.
વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. ત્યારે શહેરના રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટે પહોચી ગઈ છે, તો સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રીજ પર 36 ફટની જળસપાટી અને મંગર પાંડે બ્રિજ પર વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટે પહોંચ્યું છે. ત્યારે વરસાદ બંધ થયાને કલાકો વીત્યા છતાં પણ હજુ શહેરની ન સ્થિતિ બદલાઈ નથી. ભારે વરસાદની આગાહી હોવા છતાં પણ VMC વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે.
હરણી-સમા લીંક રોડ પર 4 ફૂટ સુધી પાણી ભરાયા છે, તો હરણી વિસ્તારની સોસાયટીઓ બેટ બની ગઈ છે. વિશ્વામિત્રી નદી પરના તમામ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ બંધ થતાં ધારાસભ્ય મનીષા વકીલ અટવાઈ ગયા, મત વિસ્તારની મુલાકાતે જવાના રસ્તા બંધ થયા છે. સરકાર દ્વારા NDRFની મદદ માટે ધારાસભ્યએ CM કાર્યાલયમાં વાત કરી હતી. શહેરના હરણી સિદ્ધાર્થ બંગલોમાં વરસાદી પાણી ભરાયા હતા.

(4:56 PM IST)