News of Friday, 30th August 2024
મગરને જોઈને યુવાન ભાગ્યો : પગ લપસતા નદીમાં પડતા મગર ખેંચી ગયો
વડોદરાની અત્યંત કરૂણ ઘટના

વડોદરા, તા.૩૦: ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતાં વડોદરામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ વચ્ચે વડોદરાથી ઘણાં ચિંતાજનક અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તાજેતરના એક અહેવાલ અનુસાર નદી કિનારે કોતરમાં માછલીની જાળ કાઢવા ગયેલો યુવક મગરને જોઈને ભાગ્યો હતો અને આ દરમિયાન જ લપસી જતાં મગરનો કોળીયો બની ગયો.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ચાણોદ પાસેથી પસાર થતી ઓરસંગ નદી ભારે વરસાદના કારણે પાણી બે કાંઠે વહેતી થઇ હતી. આ દરમિયાન નદીની કોતરમાં રાજપુરા ગામમાં રહેતો અમિત પુનમ વસાવા (ઉંમર વર્ષ ૩૦) એ માછલી પકડવા પાણીમાં નાખેલી જાળ કાઢવા માટે ગયો હતો. ત્યારે પાણીમાં મગર દેખાતા તે અચાનક ભાગવા લાગ્યો. પરંતુ આ દરમિયાન તેનો પગ લપસી જતા પાણીમાં પડી ગયો હતો. ત્યારે મગરે તેને જડબામાં પકડી લીધો અને નદીમાં ખેંચી ગયો હતો. જેના લીધે અમિતનું કરુણ મોત નીપજ્યું હતું.
વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી/વન્યજીવ રેસ્કયુ માટે ૧૮ ટીમ કાર્યરત કરાઈ છે. આ ટીમોમાં વડોદરાના સામાજીક વનીકરણ વિભાગના સ્ટાફ ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકો સામેલ કરાયા છે. વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પૂરના પાણીની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તણાઈને પહોંચી ગયા જતાંત સાપ અને કાચબા પણ રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાંથી ૭૦થી વધુ સાપ અને ૧૦ થી વધુ મગરનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.(૨૩.૨૩)
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
