News of Sunday, 1st September 2024
રાજ્યને ઘમરોળ્યા બાદ મેઘરાજાનો વિરામ : માત્ર 8 તાલુકામાં છૂટાછવાયા ઝાપટા પડ્યા
સૌથી વધુ સુરત શહેરમાં 24 મિ.મી. અને ભાવનગર શહેરમાં 15 મિ.મી વરસાદ વરસ્યો

અમદાવાદ :અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ તેમજ વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને રીતસરના ઘમરોળી રહ્યા હતા. જેના પગલે રાજ્યના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. જો કે હવે વરસાદે વિરામ લેતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. સમગ્ર રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી માત્ર 8 તાલુકામાં છૂટાછવાયા ઝાપટા જ પડ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે આજે પણ રાજ્યની અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. બીજી તરફ ગુજરાત પર તોળાતો 'અસના' વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડાની રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના સંભાવિત વિસ્તારોમાં ખાસ ગંભીર અસર જોવા નથી મળી. કચ્છના કાંઠા પર બનેલુ 'અસના' વાવાઝોડું અરબ સાગર તરફ ફંટાઈને ઓમાન તરફ આગળ વધી ગયું છે. જેથી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ગઈકાલે રાજ્યના 26 જિલ્લાના 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જે પૈકી કચ્છ જિલ્લાના મુન્દ્રામાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કચ્છના અંજાર અને બનાસકાંઠાના થરાદમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 7 જિલ્લાના 8 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 24 મિ.મી. તેમજ ભાવનગર શહેરમાં 15 મિ.મી વરસાદ વરસ્યો છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
