News of Sunday, 1st September 2024
શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરની જાહેરાતઃ ૪ હજાર જુના શિક્ષકોની ભરતી કરવામાં આવશેઃ ૧ર થી ર૬ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

અમદાવાદઃ ગુજરત સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪ હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે આ િનર્ણય અંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ િનર્ણયના કારણે વધુ શિક્ષકો ઉપલબ્ધ થશે. જેમાં માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 2000 મળીને કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે.
આ માટે ઉમેદવારો 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી https://gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.
આ અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા ભરતી કેલેન્ડર પ્રમાણે જૂના શિક્ષકોની ભરતી માટે 1 ઓગસ્ટના રોજ જાહેરાત આપવામાં આવનાર હતી, પરંતુ એક માસ પછી પણ જૂના શિક્ષકોની ભરતી માટેની જાહેરાત આપવામાં આવી ન હતી.પણ હવે આ અંગે િનર્ણય લેવાયો છે. જોકે, 1 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT-HS)ની 4 હજાર જેટલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત અંગે પણ પ્રશ્નો છે. જૂના શિક્ષકોની ભરતીની કાર્યવાહી બાદ નવા શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવનાર હોવાના પગલે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભરતીમાં પણ વિલંબ થવાની શક્યતા છે. રાજ્યની શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા તાજેતરમાં ખાસ સૂચના જાહેર કરવામાં આવી હતી. આ સૂચનાઓ જાહેર થયા બાદ પણ છેલ્લે છેલ્લે 29 ઓગસ્ટના રોજ ભરતી પ્રક્રિયાને લઈ પસંદગી સમિતિની બેઠક મળી હતી.
શિક્ષણ વિભાગના 1999ના ઠરાવ અનુસાર આગામી ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષક સહાયકોનો રેશિયો નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે કોઈ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની જૂના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા કરવા અને ભરતી અંગેની સૂચના નિયત કરવા માટે સમિતિની રચના કરાઈ હતી. સમિતિની ભલામણો અનુસાર જૂના શિક્ષકોની ભરતી કરવા માટે પ્રક્રિયા અને સૂચના શિક્ષણ વિભાગે તાજેતરમાં જાહેર કર્યા હતા. જેથી શિક્ષણ વિભાગ દ્વારા જૂના શિક્ષકોની ભરતી આ સૂચના અનુસાર કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું હતું. જેમાં 1 ઓગસ્ટના રોજ HTAT અને જૂના શિક્ષકોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસાર 1 ઓગસ્ટના રોજ HTATની 1200 જેટલી જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જૂના શિક્ષકોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી ન હતી. જે હવે જારી કરવામાં આવી છે. જૂના શિક્ષકોની ભરતી માટેની સૂચના તૈયાર કરવામાં વિલંબ થવાને લીધે હવે ભરતીમાં પણ વિલંબ થયો હોવાનું કહેવાય છે. સરકારે ભરતી કેલેન્ડરમાં 2200 જૂના શિક્ષકોની ભરતી કરવાનું નક્કી કરાયું હતું. ભરતી કેલેન્ડર પ્રમાણે 1 સપ્ટેમ્બરે 4 હજાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવનાર છે. કેલેન્ડર અનુસાર 1 સપ્ટેમ્બરે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક માટેની 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક માટેની 3250 જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવનાર છે. જોકે, જૂના શિક્ષકોની ભરતીમાં વિલંબથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટેની કાર્યવાહીમાં પણ વિલંબ થશે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
