<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે મહત્વપૂર્ણ નિર્ણયઃ આવતીકાલથી તમામ રેસિડન્‍ટ ડોકટરની હડતાળઃ ર૦ ટકા સ્‍ટાઇપેન્‍ડ વધારાની માંગ

રાજ્યનાં કુલ 8 હજાર જેટલા તબીબો આવતીકાલે હડતાળ પર ઉતરશે.

અમદાવાદઃ  ગત રોજ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. પરંતું નિર્ણયનાં થોડાક જ કલાકોમાં તબીબો નારાજ થતા આવતીકાલે રેસીડેન્ટ તબીબોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે.
અમદાવાદનાં રેસીડેન્ટ તબીબો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. પાંચ વર્ષે થતો સ્ટાઈપેન્ડર વધારો 40 ટકાનાં બદલે 20 ટકા થતા તબીબો નારાજ થયા હતા. જેથી અમદાવાદની બી.જે.મેડીકલ સહિત રાજ્યનાં કુલ 8 હજાર જેટલા તબીબો આવતીકાલે હડતાળ પર ઉતરશે.
આ બાબતે જુનિયર ડોકટર એસોસીએશનનાં વાઈસ પ્રેસિડેન્ટ શશાંક આસરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને અનેક રજૂઆત કરી હોવા છતાં અમારી માંગ પૂરી થઈ નથી. તેમજ દર ત્રણ વર્ષે થતું સ્ટાઈપેન્ડ પાંચ વર્ષે આપ્યું છે. એમાં પણ 20 ટકા ઓછું આપ્યું છે. જ્યાં સુધી અમારી માંગ નહી સ્વીકારે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે. અમારો આશય દર્દીઓને હાલાકી પડે તે નથી હોતો. પરંતું સરકાર સ્ટાઈપેન્ડ યોગ્ય ન આપીને અમારી સાથે અન્યાય કરે છે. હડતાળ પર ઉતરીશું. ઓપીડી અને ઈમરજન્સી સેવાથી અળગા રહીશું.
મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ,ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝીયોથેરાપીમાં રૂ.13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. 15,120 સ્ટાઇપેન્ડ મળશે.
ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,00,800, બીજા વર્ષમાં રૂ.1,02,480, ત્રીજા વર્ષમાં રૂ.1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂ.1,10,880નો લાભ મળશે. સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 તેમજ ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.

(3:31 PM IST)