<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરશે કેન્દ્રની ટીમ;પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરી

અમદાવાદ :  ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં ચારેબાજુ પાણી જ પાણી છે. આ વરસાદ અને પછી આવેલા પૂરના પ્રકોપે હવામાન શાસ્ત્રીઓની ચિંતા વધારી દીધી છે. સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરના કારણે અનેક લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરી છે.

આ અંગે સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ટૂંક સમયમાં જ ટીમ ગુજરાતના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી આ આંતર-મંત્રાલય સેન્ટ્રલ ટીમ (IMCT)નું નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કરશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. એટલું જ નહીં, રાજ્યમાં 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 66 રાજ્ય ધોરીમાર્ગો, 92 અન્ય રસ્તાઓ અને 774 પંચાયતી માર્ગો સહિત 939થી વધુ રસ્તાઓ બંધ છે. આટલું જ નહીં તૂટેલા વીજ જોડાણના કારણે લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે.

ભારે વરસાદથી કોબી, ફ્લાવર, મરચી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતા શાકભાજીના પાક નષ્ટ પામ્યો છે. આ ઉપરાંત કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેરના પાકોને નષ્ટ પામ્યો છે. ખેડૂતોને સતત 3 વાર વાવેતર કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ભારે નુકસાની વેરવાનો વારો આવ્યો છે.

(12:07 AM IST)