<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ચોમાસામાં સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્‍યના ૧૧૩ જળાશયો સંપૂર્ણ છલકાયા

સરદાર સરોવર સહિત રાજ્‍યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્‍તિના ૮૧ ટકાથી વધુ જળસંગ્રહઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્‍યના ૧૮ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું : ૨૩ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્‍ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું : સૌથી વધુ મધ્‍ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩ ટકા, કચ્‍છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્‍ટ્રના ૧૪૧માં ૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૯ ટકા, જ્‍યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો

રાજકોટ તા.૨: મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્‍યના ૨૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્‍યારે ૪૩ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્‍ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્‍યના ૧૮ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્‍યારે ૨૩ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્‍ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.   

આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૮૭,૭૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્‍તિના ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્‍યારે રાજ્‍યના અન્‍ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૯,૪૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્‍તિના ૭૮.૪૫ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્‍યના કુલ ૨૦૭ જળાશયોમાં ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. 

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્‍યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૧.૧૪ લાખ કયુસેક પાણીની આવક સામે ૭૯ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્‍યારે ઉકાઈમાં ૪૮ હજાર કયુસેક પાણીની આવક સામે ૧૬ હજારની જાવક, વણાકબોરી જળાશયમાં ૨૧ હજાર કયુસેક પાણીની આવક સામે ૨૧ હજારની જાવક અને કડાણા જળાશયમાં ૧૮ હજાર કયુસેક પાણીની આવક સામે ૧૫ હજારની કયુસેક પાણીની જાવક નોંધાઈ છે. 

આ ઉપરાંત સૌથી વધુ મધ્‍ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૩ ટકા, કચ્‍છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્‍ટ્રના ૧૪૧માં ૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૯ ટકા, જ્‍યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં અત્‍યાર સુધીમાં ૮૧ ટકાથી વધુ પાણીનો જથ્‍થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્‍યું છે

(2:42 PM IST)