News of Monday, 2nd September 2024
અંબાજી મંદિર ટ્રસ્ટના નાણા મહાનુભાવોથી મહેમાનગતીમાં વપરાયા? : કોંગ્રેસનું આવેદન
જમવાની થાળીના રૃા. ૧૭૫૦, ચાના રૃા. ૭૨૦: નાણા ટ્રસ્ટમાં પરત જમા કરવા રજુઆત : ભાજપના ધારાસભ્યની મીટીંગમાં જઇ મંદિર માટે દાન એકત્ર કરવાની ચીમકી

અમદાવાદ, તા. ર : કોંગ્રેસના દાંતાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોડીનેટર તથા પ્રવકતા શ્રી હેમાંગ રાવલ ની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે અંબાજી વહીવટદારશ્રીની મુલાકાત લઈને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ૫૧ શકિતપીઠ મહોત્સવના નામે મહાનુભાવોનેે ૧૭૫૦/- રૃપિયાની જમવાની ડીશ અને ૭૨૦/- રૃપિયાની ચા થઈ હતી. જે કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના થાય છે, તે રૃપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા. એક તરફ ૫૧ શકિતપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ લાખોની જયાફત કરે છે.
અંબાજી વહીવટદાર દ્વારા ઉપરોકત બાબતે રદિયો આપતા સ્વીકારાયું હતું કે ૧૧,૩૩,૯૨૪ રૃપિયાની ચુકવણી સરકાર દ્વારા ગ્રાન્ટ ન મળ્યાના સંજોગોમાં એજન્સી દ્વારા બિલના નાણાંની ચુકવણી માટે વારંવાર ઉઘરાણી થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભંડોળમાંથી રૃ. ૧૧,૩૩,૯૨૪ની ચુકવણી કરવામાં આવેલ છે અને હજુ સુધી લગભગ ૨૦૦ દિવસ બાદ પણ સરકારે આ રૃપિયા સરભર કરેલ નથી.
વિધાનસભાનાં અધ્યક્ષ આ બધા VVIP ને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષશ્રીએ સ્વયં પોતાનાં નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ. શકિતપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (૫૧ શકિતપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શકિતપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં આસ્થા ધરાવતા હતા, આ શકિત મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોકત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇભકતોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોકત વિધિ વિધાન હજુ પણ શરૃ કરવામાં આવેલ નથી. તેમ કાંતિભાઇ અને હેમાંગ રાવલે આવેદનમાં જણાવ્યું છે.
અંબાજીમાં ચર્ચાઓ થઈ રહી છે કે કોઈ નેતાના પરિવારનો અથવા અન્ય ધાર્મિક પ્રસંગ અંબાજી ખાતે ઉજવવાનો હોય તડામાર તૈયારીઓ થઈ રહી છે. ઉપરોકત પ્રસંગનો કોઈપણ વિશિષ્ટ ખર્ચ દેવસ્થાન ટ્રસ્ટમાંથી કરવામાં ન આવે, સાથેસાથે ભૂતકાળના સરકારે ચુકવવાના બિલ જેવાં કે એસટી બસોના ભાડા વગેરે સરકાર જ ચૂકવે અને ટ્રસ્ટ પર તેનો બોજો ના આવે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે.
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભકતોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે માટે ૧૭૪૫ રૃપિયાની જમવાની થાળી અને ૭૨૦ની ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૃપિયાથી ચૂકવવામાં આવેલ હોય. ભકતોના હ્રદયને ઠેસ પહોંચી છે માટે સત્વરે ઉપરોકત બિલના નાણાં મંદિર ટ્રસ્ટમાં પરત લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે. જો ભકતોની આસ્થા સમાન તેમના દાનના નાણા સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટને પાછા આપવમાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અંબાજી મંદિરનો મ્ય્કોડ લઈને ભાજપના ધારાસભ્યોના મતવિસ્તારમાં તેમની પાછળ ખર્ચાયેલા મંદિરના રૃપિયા નાગરિકો પાસેથી દાન સ્વરૃપે ઉઘરાવશે. તેમ કાંતિભાઇ અને હેમાંગ રાવલે જણાવ્યું છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
