<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ગુજરાત-આંધ્રપ્રદેશ-તેલંગાણામાં ભારે વરસાદથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

દેશના મોટાભાગના રાજયોમાં મેઘરાજા વધુ મહેરબાન થયા : આજે અને કાલે દિલ્‍હીમાં મધ્‍યમથી ભારે વરસાદની સંભાવના

અમદાવાદ, તા. ૪ : હાલ દેશના મોટાભાગના રાજ્‍યોમાં ભારે વરસાદના કારણે સામાન્‍ય જનતા પરેશાન થઈ ગઈ છે. એમાં પણ ખાસ કરીને ગુજરાત , તેલંગાણા અને આંધ્ર પ્રદેશ સહિત અનેક રાજ્‍યોમાં પૂરથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે. ત્‍યારે હવામાન વિભાગે આજે ફરી આ રાજ્‍યો સહિત અન્‍ય રાજ્‍યોમાં પણ મધ્‍યમથી ભારે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરી છે.

ગુજરાતમાં આ વર્ષે ખૂબ વરસાદ થયો છે. અત્‍યાર સુધી આ સિઝનમાં એવરેજ વરસાદ ૧૧૬ ટકા નોંધાઈ ચૂકયો છે. ત્‍યારે હાલ પણ રાજ્‍યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્‍યમાં ભારે વરસાદને લઈને સંભાવના વ્‍યક્‍ત કરી છે. હાલમાં વરસાદની ચાર સિસ્‍ટમ એક્‍ટિવ હોવાના કારણે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આજે હવામાન વિભાગ દ્વારા ભરૂચ, બનાસકાંઠા, સુરત, નવસારી, તાપી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરી છે. કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં હળવોથી મધ્‍યમ વરસાદની શકયતા છે.

હવામાન વિભાગ પ્રમાણે, આજે અને આવતીકાલે દિલ્‍હીમાં મધ્‍યમથી ભારે વરસાદની સંભાવના છે. તે બાદ વરસાદથી રાહત મળી શકે છે.

હવામાનની આગાહી કરતી એજન્‍સી સ્‍કાયમેટ પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્‍યમથી ભારે વરસાદની શકયતા છે. વિદર્ભ, કોંકણ અને ગોવા, કર્ણાટક, કેરળ, મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને પૂર્વોત્તર ભારતમાં કેટલાક સ્‍થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્‍યમ વરસાદ થઈ શકે છે.

(12:16 PM IST)