News of Wednesday, 4th September 2024
વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો વકર્યો :પાણીજન્ય.મચ્છરજન્ય અને ચામડીના રોગ કેસમાં વધારો:આરોગ્ય તંત્ર ચિંતિત
ચેપીરોગ હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં ચામડીના રોગો તેમજ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો: અનેક લોકોને સ્કિન એલર્જી, ખંજવાળ તેમજ ઇરીટેશન જેવી ઘણી બધી તકલીફો

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. ચામડીના રોગો સહીત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ તથા શરદી ખાંસી અને ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ગંદકીના કારણસર શહેરમાં રોગચાળો વધતા તંત્ર ચિંતિત બન્યું છે.
વડોદરાના નાગરિકો પૂર જેવી ભયંકર આફત બાદ પણ હજી સુધી અનેક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે. શહેરમાં આવેલ પૂરના કારણે હજી પણ જનજીવન પાટા પર આવ્યું નથી. હજી એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે, ગટરો ભરાયેલી છે, વીજળી નથી. આવી બધી સમસ્યાઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યાં તો હવે નાગરિકોને શહેરમાં વધી રહેલ રોગચાળાના કારણે ભીતિ સેવાઈ છે.
શહેરમાં પૂર બાદ રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ચેપીરોગ હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં ચામડીના રોગો તેમજ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પાણીમાં વધુ સમય વીતાવ્યા પછી અનેક લોકોને સ્કિન એલર્જી, ખંજવાળ તેમજ ઇરીટેશન જેવી ઘણી બધી તકલીફોમાં વધારો જોવા મળ્યો છે. ઓપીડીમાં ચામડીના રોગોમાં દૈનિક 1000-1500 દર્દીઓ આવી રહ્યા છે. તેમજ ઝેરી મેલેરિયાના કેસ પણ શહેરમાં વધતા જોવા મળી રહ્યા છે. જેમાં પણ અકોટા વિસ્તારમાં તો ખાસ કરીને ઝેરી મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં વધુ નોંધાઈ છે. ગત વર્ષ કરતાં પણ ઝેરી મેલેરિયાના વધુ કેસ આ વર્ષે ચાલુ સિઝનમાં નોંધાયા છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
