<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ચોમાસુ: ૨૦૨૪ : દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામ ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો : છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ; જ્યારે ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૨ ટકાથી વધુ વરસાદ નોંધાયો : સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૦ ટકાથી વધુ વરસાદ : પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૬ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો

રાજકોટ તા.૪ : ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે કચ્છ, સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૨ ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

 

તાલુકાની વાત કરીએ તો, મહેસાણાના જોટાણા, સુરતના પલસાણા અને સુરત, બનાસકાંઠાના દાંતીવાડા, તેમજ વલસાડના વાપી તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, નર્મદાના નાંદોદ, વલસાડના પારદી, ઉમરગામ અને કપરાડા,સુરતના માંગરોળ, માંડવી અને મહુવા, નવસારીના ખેરગામ, કચ્છના રાપર અને તાપીના સોનગઢ તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

 

આ ઉપરાંત રાજ્યના આશરે ૩૦ તાલુકામાં એક ઇંચથી વધુ તેમજ ૧૪૯ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૧૯૮ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૨ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૬ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.(પ્રવેશ ભંસાલી)

(1:15 PM IST)