તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
પાદરાના ડબકા ગામે મોટી દુર્ઘટના:ગણેશ પંડાલમાં કામ કરતા 15 લોકોને કરંટ લાગ્યો :એક યુવકનું મોત
લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા 11 કેવીની હાઈટેન્શન લાઈનને અડી જતા બિમમાં કરંટ ઉતર્યો: અન્ય 14 યુવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા: ગામમાં શોકનો માહોલ

વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામમાં ગણેશ પંડાલમાં કામગીરી કરતા 15 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જયારે 14 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવકના મોતથી ગણેશોત્સવ પહેલા સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર લોકો ગણેશોત્સવની તૈયારીઓમાં પડ્યા છે. પરંતુ આ બધા વચ્ચે પાદરા તાલુકાના ડબકા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ડબકા ગામના વહેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો. જેના કારણે ભારે નાસભાગ મચી જવા પામી હતી.
લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા 11 કેવીની હાઈટેન્શન લાઈનને અડી જતા બિમમાં કરંટ ઉતર્યો હતો. જેના કારણે 15 લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. પંદર પૈકી એક યુવકને તેની ભારે અસર થઇ હતી. પ્રકાશ ડાહ્યાભાઈ જાદવ ઉર્ફે સચિન જાદવનું સારવાર પહેલા જ ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 14 યુવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઉત્સવ પહેલા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
