<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ગુજરાતને વરસાદથી રાહત નહીં મળે, IMDએ ફરીથી રેડ એલર્ટ જાહેર કર્યુ : ભરૂચ અને વલસાડ જેવા વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં વરસાદની ચેતવણી જારી કરી : 25 ઓગસ્ટથી ચાલુ રહેલા આ વરસાદ અને પૂરે રાજ્યના 25 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 40 લોકોના જીવ લીધા છે અને 55,000 થી વધુ લોકોને વિસ્થાપિત કર્યા

અમદાવાદ તા.૪ : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ગંભીર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ ભરૂચ અને વલસાડ જેવા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 25 ઓગસ્ટથી ચાલુ રહેલા આ વરસાદ અને પૂરે રાજ્યના 25 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 40 લોકોના જીવ લીધા છે અને 55,000 થી વધુ લોકોને વિસ્થાપિત કર્યા છે.

મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 156 મિમી વરસાદ ભરૂચના વાલિયામાં નોંધાયો હતો. આ પછી નેત્રંગમાં 127 મીમી, સુરતના ઉમરપાડામાં 105 મીમી, વલસાડમાં 104 મીમી અને મહેસાણાના જોટાણામાં 95 મીમી વરસાદ નોંધાયો હતો.

IMDએ આગાહી કરી છે કે રાજ્યમાં સપ્તાહના અંત સુધી ભારેથી હળવો વરસાદ ચાલુ રહેશે. રાજ્યના 15,000થી વધુ ગામડાઓ વીજ કાપનો સામનો કરી રહ્યા છે. ચક્રવાત અસનાએ ગુજરાતમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બનાવી છે.

IIT ગાંધીનગરના સંશોધનમાં બહાર આવ્યું છે

ગુજરાતમાં તાજેતરના પૂરને કારણે રાજ્યના ઘણા ભાગોમાં મોટા પાયે વિનાશ થયો હતો, અને તે માત્ર ભારે વરસાદને કારણે ન હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT-GN) ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ પૂરમાં ગંભીર હવામાનની સાથે શહેરી વિકાસ અને નબળી ડ્રેનેજ સિસ્ટમ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.

પૂર પાછળના કારણો

ગુજરાતમાં 20 અને 29 ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે રાજ્યના 33 માંથી 15 જિલ્લાઓમાં ત્રણ દિવસીય વરસાદનું સ્તર છેલ્લા 10 વર્ષની સરખામણીમાં વધુ હતું. આ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં પૂર આવ્યું હતું, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. જો કે, IIT ગાંધીનગરની 'મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રિસિલિયન્સ લેબોરેટરી' (MIR લેબ) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે આ પૂરની તબાહી માત્ર વરસાદને કારણે નથી થઈ, પરંતુ અન્ય પરિબળો પણ તેમાં સામેલ છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે વડોદરા જેવા શહેરોમાં ભારે પૂરની સ્થિતિ વધુ ખરાબ બની હતી કારણ કે ત્યાંનો શહેરી વિકાસ પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં થયો હતો. આ સાથે જમીનની ઊંચાઈમાં ફેરફાર અને ઝડપી શહેરીકરણને કારણે પણ પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. તદુપરાંત, ડ્રેનેજ સિસ્ટમમાં અવરોધોને કારણે, પાણી યોગ્ય રીતે વહેતું નથી, જેના કારણે પાણી ભરાઈ ગયું છે.

(4:31 PM IST)