<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

અમદાવાદમાં રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના કેસમાં જંગી ઉછાળો: પાંચથી સાત દિવસમાં સિવિલ અને સોલામાં 235 કેસ નોંધાયા

સિવિલમાં 61 અને સોલા સિવિલમાં 174 દર્દીને સારવાર: છેલ્લા પાંચ જ દિવસમાં સિવિલમાં બાળકોમાં 16 કેસ:સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના એક સપ્તાહમાં 1703 કેસમાં સારવાર

અમદાવાદ : વરસાદી સિઝનમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના કેસમાં જંગી ઉછાળો થયો છે. સિવિલમાં પાંચ દિવસ અને સોલા સિવિલમાં સાત દિવસમાં એમ બંને હોસ્પિટલોમાં જ ડેન્ગ્યુના 235 કેસ નોંધાયા છે, જે પૈકી સિવિલમાં 61 અને સોલા સિવિલમાં 174 દર્દીને સારવાર આપવામાં આવી છે. સિવિલમાં ગત મહિને ઓગસ્ટમાં બાળકોમાં ડેન્ગ્યુના 29 કેસ હતા, જોકે છેલ્લા પાંચ જ દિવસમાં બાળકોમાં 16 કેસ આવ્યા છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના એક સપ્તાહમાં 1703 કેસમાં સારવાર આપવામાં આવી છે.

સિવિલમાં સ્વાઈન ફલૂમાં એક મહિલા દર્દી જ્યારે સોલા સિવિલમાં પાંચ દર્દી નોંધાયા છે, સોલામાં સ્વાઈન ફલૂના 22 શંકાસ્પદ કેસ આવ્યા હતા. સોલામાં છેલ્લા સપ્તાહમાં મેલેરિયાના 16, ચિકન ગુનિયાના 9, ઝાડા ઉલટીને લગતા 17, હિપેટાઈટિસના 8, ટાઈફોઈડના 3 દર્દીને સારવાર અપાઈ છે. સિવિલમાં પુખ્ત વયના દર્દીઓમાં હિપેટાઈટિસના ગત મહિને 245 કેસ હતા. જ્યારે છેલ્લા પાંચ દિવસમાં 36 દર્દી નોંધાયા છે. સ્વાઈન ફલને લઈ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સાવચેતી રાખવા માટે નિર્દેશો કર્યા હતા.

(12:40 PM IST)