News of Thursday, 12th September 2024
હાલ વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય પરંતુ ગુજરાત પર તેની અસર થોડી ઓછી , જેના કારણે કોઈપણ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી : ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે : હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસ
સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી જ્યારે તે પછીના બે દિવસ ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી

અમદાવાદ તા.૧૨ : હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે.
ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે ગુજરાતનાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં બનાસકાંઠાના ધાનેરામાં સૌથી વધુ 3.28 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. સાત દિવસ ગુજરાત રીજનના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે તે પછીના બે દિવસ ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
એ. કે. દાસે જણાવ્યું છે કે, અમદાવાદમાં ગઈકાલે (બુધવારે) 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. એટલે કે અમદાવાદના મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી તાપમાનનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ચોમાસાની વિદાયની ઓફિશિયલ તારીખ 15 સપ્ટેમ્બર છે. સામાન્ય રીતે આ તારીખથી ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ સપ્તાહ પછી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે તો આગામી સમયની સિસ્ટમ જોઈને જ નક્કી થશે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, હાલ વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય છે. પરંતુ ગુજરાત પર તેની અસર થોડી ઓછી છે. જેના કારણે કોઈપણ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
