<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

હે ભગવાન ! અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરવા સત્તાધીશો તૈયાર

ત્રણ ટેન્ડરમાં કોઈ કંપની જર્જરિત પુલ તોડવા તૈયાર નથી: ચોથી વખત સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડ્યું :હવે રાજસ્થાનની કંપની રૂ.52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલ તોડવાની તૈયારી

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા બે વર્ષથી બંધ છે. .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુઃખાવો બની ગયેલો આ બ્રિજ તોડી પાડવા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા , . આ બ્રિજ વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે અજય ઈન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજની ઉંમર 100 વર્ષ હશે. પરંતુ તેના નિર્માણના માત્ર 5 વર્ષ બાદ જ આ બ્રિજની મજબૂતાઈ પર સવાલો ઉઠવા લાગ્યા હતા, 

   આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવી હતી, જેના અલગ-અલગ એજન્સીઓએ આપેલા અહેવાલો મુજબ આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થતાં આ પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવેલી છે.

     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકાએ આ પુલને તોડવા માટે ચાર વખત ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ ત્રણ ટેન્ડરમાં પણ કોઈ કંપની જર્જરિત પુલ તોડવા તૈયાર નથી. આખરે ચોથી વખત સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

     હવે રાજસ્થાનની કંપની રૂ.52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલ તોડવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2017માં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે .

  આગામી બે સપ્તાહમાં તમામ નિયમો મુજબ પુલ તોડી પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવશે. આ પુલને તોડવામાં 18 મહિનાનો સમય લાગશે. જેના માટેનો ખર્ચ આ બ્રિજ બનાવનારી કંપની અજય ઈન્ફ્રા પાસેથી વસૂલવામાં આવશે.

   અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છેલ્લા બે વર્ષથી બંધ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો સૌથી વધુ પરેશાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં 20થી વધુ અરજીઓ પ્રશાસનને આપવામાં આવી છે. અનેક વખત વિરોધ પ્રદર્શનો થયા છે. પરંતુ ભ્રષ્ટાચારનો આ પુલ છેલ્લા બે વર્ષથી આટલી જર્જરિત હાલતમાં ઉભો છે. આ પુલના કારણે લોકો સર્વિસ રોડ પર ચાલી પણ શકતા નથી. ટ્રાફિક જામથી દરેક લોકો પરેશાન છે.

(9:20 PM IST)