News of Tuesday, 17th September 2024
નવા જાહેર થયેલા મહાનગરોમાં હમણા ચૂંટણી નહિ
જુનાગઢમાં દિવાળી આસપાસ ચૂંટણીઃ મોરબીનો નિર્ણય કાનૂની ફેસલા આધારિત : પોરબંદર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મહેસાણા, આણંદ, નવસારી, નડીયાદ, વાપીમાં નગરપાલિકાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી (ર૦ર૬) યથાવત સ્થિતિ રાખવાની સરકારની વિચારણા

રાજકોટ તા. ૧૭ :.. રાજય સરકારે ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજજો આપવાની જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા કરેલી પણ તે નગરોને મહાનગરોનો સતાવાર દરજજો મળતા હજુ વાર લાગશે. હાલ જે તે સ્થિતિ જાળવી રાખી વર્તમાન, નગરપાલિકાની મુદત પૂરી થાય ત્યારે (વર્ષ ર૦ર૬ માં) જ મહાનગરપાલિકા તરીકે ચૂંટણી કરાવવાની સરકારની ગણતરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢમાં વર્ષ ર૦૦ર થી મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. ત્યાં ગઇ ૩૧ જુલાઇએ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થઇ ગઇ છે. હાલ વહીવટદાર શાસન છે. ત્યાં દિવાળીની નજીકના સમયમાં સામાન્ય ચૂંટણી થઇ શકે છે.
મોરબી નગરપાલિકાને સરકારે સુપરસીડ કરી સરકારે વહીવટદાર મૂકી દીધા છે. તેની સામે અમૂક ચૂંટાયેલા સભ્યોએ હાઇકોર્ટમાં અપીલ કરી છે. સરકારે મોરબીને કોર્પોરેશન બનાવવાનું જાહેર કર્યુ છે પણ તેનો નિર્ણય અદાલતમાં ફેસાલાને આધીન રહેશે.
ઉપરાંત સરકારે મહેસાણા, નડીયાદ, નવસારી, આણંદ, પોરબંદર-છાંયા, સુરેન્દ્રનગર, વાપી, ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજજો આપવાનું જાહેર કર્યુ છે. સદરહુ નગરપાલિકાને મુદત પૂર્વે મહાનગરનો દરજજો આપવો હોય તો હાલના ચૂંટાયેલા સભ્યોને ભૂતપૂર્વ સભ્ય બનાવવા પડી. પ્રજાએ પાંચ વર્ષ માટે નગરપાલિકાના સભ્ય તરીકે રહેવાનો આદેશ આપ્યો છતાં સરકારે મુદત પહેલા જ તેનું સભ્યપદ જતુ રહે તેવો નિર્ણય કરે તો કાનૂની વિવાદ થવાની શકયતા રહે છે. સરકાર આ મુદાને ધ્યાને રાખીને નવી જાહેર થયેલ મહાનગરપાલિકાની ચૂંટણી તેની નગરપાલિકાની મુદત પૂરી થાય ત્યારે જ કરાવવા માંગે છે તે પૂર્વે નવા સીમાંકનની પ્રક્રિયા થશે. નવા મહાનગરોની ચૂંટણી હાલ ન કરાવવા પાછળ કોઇ રાજકીય ગણિત પણ હોય શકે તેવું સમીક્ષકોનું કહેવું છે. મહાનગરપાલિકાનો દરજજો આપવાનો નિર્ણય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે. ચૂંટણી રાજય ચૂંટણી પંચ દ્વારા કરાવવામાં આવે છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
