<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

આસમાને પહોંચ્‍યા શાકભાજીના ભાવ : જનતા પરેશાન

લોકોના ખિસ્‍સા ખાલી કરાવશે આ મોંઘવારી શાકભાજીના વધતા ભાવે વિખેર્યુ ગૃહિણીઓનું બજેટ : રસોડામાં સ્‍વાદ વધારતી દરેક વસ્‍તુઓ મોંઘી

અમદાવાદ, તા.૧૯: મોંઘવારીથી ત્રસ્‍ત જનતાની મુશ્‍કેલી સતત વધી રહી છે. જીવન જરૂરી વસ્‍તુઓના ભાવ આસમાને પહોંચતા ઘર ચલાવવું મુશ્‍કેલ બની રહ્યું છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હવે અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્‍યા છે. રસોડામાં સ્‍વાદ વધારતી દરેક વસ્‍તુઓ મોંઘી થઈ ગઈ છે. રાજ્‍યમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં સસ્‍તો વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા લોકો શાકવગર ખાવા માટે મજબૂર બન્‍યાં છે. ગરીબો અને સામાન્‍ય લોકોની સ્‍થિતિ તો વધુ ખરાબ થઈ ગઈ છે.

રાજ્‍યમાં ઓગસ્‍ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્‍તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા મરચાનો ભાવ ૧૦૦થી ૧૨૦ રૂપિયા કિલો પહોંચી ગયો છે. લસણ તો ૪૦૦ રૂપિયા કિલો મળી રહ્યું છે. આદુનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ સિવાય ગુવાર ૮૦-૧૦૦ રૂપિયા, કંડોળા ૧૪૦-૧૬૦  રૂપિયા, ફણસી ૧૪૦-૧૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.

ધાણાનો ભાવ ૨૪૦થી ૨૬૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચોળી અને ટિંડોળાનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. ફ્‌લાવરે પણ સદી ફટકારી દીધી છે. ગરીબોની કસ્‍તુરી કહેવાતી ડુંગળીનો ભાવ ૬૦ રૂપિયા થઈ ગયો છે. આ સિવાય ભીંડો, ટામેટા, બટાટા સહિત અનેક વસ્‍તુઓના ભાવમાં ખુબ વધારો થયો છે.

અમદાવાદમાં શાકભાજીના ભાવ

લસણ- ૪૦૦ રૂપિયા કિલો

લીલા મરચા- ૧૦૦થી ૧૨૦ રૂપિયા કિલો

આદુ- ૨૦૦ રૂપિયા કિલો

ધાણા- ૨૪૦થી ૨૬૦ રૂપિયા કિલો

ગુવાર- ૮૦થી ૧૦૦ રૂપિયા કિલો

કંટોળા- ૧૪૦થી ૧૬૦ રૂપિયા કિલો

ફ્‌લાવર ૧૨૦થી ૧૪૦ રૂપિયા કિલો

ડુંગળી ૬૦ રૂપિયા કિલો.

(4:14 PM IST)