News of Thursday, 19th September 2024
વલસાડના ધરમપુરમાં કોંગ્રેસ અગ્રણી ભાજપનાં સભ્ય બની ગયા
ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુ એક વિવાદઃ ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યુ કે, સ્વેચ્છાએ ભાજપના સભ્ય બન્યાઃ રાજેશ પટેલે કહ્યુ કે, જાણ બહાર સભ્ય બનાવી દીધા

વલસાડ,તા. ૨૯: વલસાડ જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાના મેસેજના ફોટો વાયરલ થયા છે. સદસ્યતા અભિયાન મામલે કોંગ્રેસ-ભાજપના સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે.
હવે આ મુદ્દે જિલ્લાનું રાજકારણ ગરમાતા રાજેશ પટેલ સામે આવ્યા અને ખુલાસો આપ્યો છે. રાજેશ પટેલએ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપ કર્યા છે કે તેમની જાણ બહાર અરવિંદ પટેલે તેમને ભાજપના સભ્ય બનાવી દીધા. તો રાજેશ પટેલના આક્ષેપ પર ધારાસભ્ય અરવિંદ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી. અરવિંદ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ સ્વેચ્છાએ ભાજપમાં સભ્ય બન્યા હતા. હવે રાજકારણ શરૂ થતાં ખોટા આક્ષેપ કરતાં હોવાનો દાવો કરીને ધારાસભ્ય બચાવ કરી રહ્યા છે.
ભાજપનું સદસ્યતા અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. પણ ભાજપના અગ્રણીઓ પર સભ્ય બનાવવા ભારે દબાણ હોય તેવું લાગી રહ્યું છે. રાજયમાં રૂપિયા કે સત્તાના જોરે ભાજપના સભ્ય બનાવવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના અગ્રણીઓ પણ ભાજપમાં જોડાવાના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વલસાડના કોંગ્રેસના અગ્રણીઓ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે હવે ભાજપમાં જોડાઈ ગયા બાદ કોંગી નેતાઓએ ફેરવી તોળ્યું છે. ત્યારે કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ અને સેવા દળ કોંગ્રેસ પ્રમુખ રમેશ પટેલે ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ કરતા જિલ્લાનું રાજકારણ તેજ થયું છે.
પહેલા વાત કરીએ પૂર્વ તાલુકા કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલની તો, તેમનો આક્ષેપ છે કે ધારાસભ્ય અરવિંદ પટેલે તેમને સર્કિટ હાઉસ મળ્યા હતા અને મારી મરજી વિરુદ્ધ મારો ફોન લઈને અરવિંદ ભાઈના મિત્રએ મને ભાજપનો સભ્ય બનાવ્યો હતો. તો અન્ય એક કોંગ્રેસના અગ્રણી રમેશ પટેલે પણ અરવિંદ પટેલ પર આક્ષેપ કર્યો છે કે હું તો કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે દાન લેવા ગયો હતો અને ધારાસભ્યએ મને ભાજપનો સભ્ય બનાવી દીધો.
આમ ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા જ કોંગ્રેસના અગ્રણીઓને ભાજપમાં સભ્ય બનાવવાની વાત સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ હતી. કોંગ્રેસ અને ભાજપમાં રાજકારણ પણ ગરમાયુ હતું. ત્યારે આ મામલે અરવિંદ પટેલે ખુલાસો કર્યો છે કે આ બંને કોંગી અગ્રણીઓ સામે ચાલીને મને મળવા આવ્યા હતા. પહેલા પોતાની મરજીથી ભાજપમાં જોડાયા છે, પછી કોંગ્રેસમાંથી દબાણ આવતા ફરી ગયા છે.
આમ રાજેશ પટેલના આક્ષેપ છે કે ધરમપુર સર્કિટ હાઉસ પર અરવિંદભાઈ પટેલે પોતાની પાસેથી ફોન છીનવી BJPના સભ્ય તરીકે જોડી દીધા છે. ધારાસભ્ય અરવિંદ પટેલે મારી જાણ બહાર મારો મોબાઈલ ફોન લઈને મારી સાથેનો ફોટો પાડીને BJPના સભ્ય તરીકે ખોટી નોંધણી કરી હતી. ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એ ધરમપુરની પ્રજા બધું જ જાણે છે. ત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન હાલ તો ચર્ચાને ચકડોળે ચડ્યું છે અને વલસાડ જિલ્લાનું રાજકારણ ભારે ગરમાયું છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
