તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 19th September 2024
પાટણમાં રખડતાં ઢોરોની સમસ્યાને લઈ MLA ખુદ લાકડી સાથે રસ્તા પર ઉતર્યા
રખડતા ઢોરોનો આંતક યથાવતઃરાત્રે એક વાગ્યા સુધી હાઇવે વિસ્તારની પાંચ સોસાયટીમાંથી ૨૭ જેટલા રખડતા ઢોરો ડબ્બે કરાયા

પાટણ, તા.૧૯
પાટણ શહેરની હાઇવે વિસ્તારની સોસાયટીઓમાં રખડતા ઢોરોના ત્રાસથી કંટાળીને રહીશોએ પાટણના ધારાસભ્યને રજૂઆત કરી હતી. આથી તેઓ ગતરાત્રે રખડતાં ઢોરની સમસ્યા દૂર કરવા પોતાની હાથમાં લાકડી સાથે રહીશોને લઈ માર્ગો પર ઉતરી આવ્યા હતા. આ અંગેની જાણ પાલિકાના ઢોર ડબ્બા વિભાગને થતાં તેઓ પણ ચીફ ઓફિસર સહિત પોલીસ કાફલા સાથે હાઈવે વિસ્તારમાં દોડી આવ્યાં હતાં અને અંદાજિત ૨૭ જેટલી રખડતી ગાયને રાત્રે ૧ વાગ્યા સુધી જહેમત ઉઠાવી ડબ્બે કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરમાં રખડતા ઢોરોનો આંતક વધતાં શહેરીજનોએ પાલિકામાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા રખડતાં ઢોરની સમસ્યા દૂર કરવા આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
દરમિયાન ગત રાત્રે શહેરના હાંસાપુર હાઇવે માર્ગ પર રખડતા ઢોરોના આતંકને લઈને સ્થાનિક લોકોએ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને સ્થાનિક લોકોને સાથે રાખી હાથમાં લાકડીઓ લઇને આ વિસ્તારની પાંચ જેટલી સોસાયટીઓમાંથી ૨૭થી વધુ રખડતાં ઢોરોને એક સોસાયટીના કોમન પ્લોટમાં લાવી પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરતાં સફાળા જાગેલા પાલિકા તંત્રની ઢોર ડબ્બા ટીમ ચીફ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે દોડી આવી કોમન પ્લોટમાં એકત્ર કરેલા ૨૭ જેટલા રખડતાં ઢોરને રાત્રે ૧-૦૦ વાગ્યા સુધી ઝુંબેશ ચલાવી પાંજરે કર્યા હતા.
પાટણ ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં હાઇવે વિસ્તારમાંથી ગતરાત્રે ડબ્બે કરાયેલા ૨૭ જેટલા રખડતા ઢોરોને પાલિકાહસ્તકના ઢોર ડબ્બામાં મોકલી આપ્યા હોવાનું અને આજે દિવસ દરમિયાન પણ પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ ચાલુ હોવાનું પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતે જણાવ્યું હતું.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
