<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

હાઉસિંગ સોસાયટીની ટ્રાન્‍સફર ફી પ્રોપર્ટીની કિંમત મુજબ લેવાશે

નવા નિયમથી આડેધડ વસૂલવામાં આવતી ટ્રાન્‍સફર ફી પર બ્રેક લાગી જશે :રાજય સરકારે ૧૯૯૧થી ટ્રાન્‍સફર ફીમાં કોઇ ફેરફાર કર્યો નથી

અમદાવાદ,તા. ૨૦: રાજયભરમાં આવેલી તમામ કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓ માટે ગુજરાત સરકાર નવેસરથી ટ્રાન્‍સફર ફીના ધારા-ધોરણ નક્કી કરશે. આ ટ્રાન્‍સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની રહેશે અથવા તો દસ્‍તાવેજમાં દર્શાવેલી મકાન, ફલેટ કે દુકાનની કિંમત મુજબની રહેશે એમ મુખ્‍યંમત્રી ભૂપેન્‍દ્ર પટેલ તરફથી લીલી ઝંડીની રાહ જોઇ રહેલા નવા નિયમોમાં સ્‍પષ્ટતા કરવામાં આવી છે. નવા નિયમથી આડેધડ વસૂલવામાં આવતી  ટ્રાન્‍સફર ફી પર બ્રેક વાગી જશે.

હાલ કો-ઓપરેટિવ સોસાયટીઓમાં આવેલી કોમર્શિલય પ્રોપર્ટી અથવા તો મકાન કે ફલેટની રાજય સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલી ટ્રાન્‍સફર ફીની રકમ રૂ. ૫૦૦થી લઇને રૂ. ૫૦,૦૦૦ સુધીની છે. આ ટ્રાન્‍સફર ફીમાંથી હાઉસિંગ સર્વિસ કો-ઓપરેટિવ સોસાયટીઓને મુક્‍તિ આપવામાં આવેલી છે.

નવા નિયમો મુજબ કોઇપણ સોસાયટીનો કોઇપણ પ્રકાર હશે તેને ધ્‍યાનમાં લીધા વિના સોસાયટીના તમામ સભ્‍યોએ ટ્રાન્‍સફર ફી ભરવાની રહેશે. સરકારમાં નોંધણી કરાવેલી કોઇપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હાલના મકાન માલિક પાસેથી જયારે કોઇ નવો સભ્‍ય મકાન, ફલેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદે છે ત્‍યારે હાઉસિંગ સોસાયટી વહીવટ પેટે જે રકમ લે છે તેને ટ્રાન્‍સફર ફીની રકમ ગણવામાં આવે છે. આ ફીની રકમ ચૂકવીને મકાન કે ફલેટ ખરીદનાર નવો સભ્‍ય વિધિવત રીતે તે સોસાયટીનો સભાસદ બની જાય છે, અને તે સોસાયટી તરફથી પૂરી પડાતી તમામ સેવાઓનો લાભ ઉઠાવી શકે છે.

હાઉસિંગ સોસાયટીમાં સોસાયટીનું મેનેજમેન્‍ટ જે જગ્‍યાએ મકાનો કે ફલેટ બનેલા હોય છે તે જમીનનો માલિક હોય છે. જયારે સર્વિસ સોસાયટીઓ મકાનો, ફલેટ કે દુકાનોના માલિકોને સેવા પૂરી પાડે છે, અને તે જમીનના સરખા ભાગના માલિક તમામ સભ્‍યો હોય છે. રાજય સરકારે હાલ સર્વિસ સોસાયટીઓ ઉપર કોઇપણ પ્રકારની ટ્રાન્‍સફર ફી કે ડેવલપમેન્‍ટ ફી ઉઘરાવવા સામે પ્રતિબંધ મૂકેલો છે.

રાજય સરકારે છેલ્લે ટ્રાન્‍સફર ફીની રકમ ૧૯૯૧માં નક્કી કરી હતી ત્‍યારથી આજદિન સુધી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. ૨૦૧૬ના સાલમાં પણ એ જ ફીની રકમ નક્કી રાખવામાં આવી હતી. હવે ૩૩ વર્ષ બાદ રાજય સરકાર ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી એક્‍ટ-૧૯૬૧ના કેટલીક કલમોમાં સુધારા કરીને ટ્રાન્‍સફર ફીને વધુ તર્કસંગત બનાવશે. સરકારે નિયમોમાં જે સુધારો કર્યો છે તેને રાજયપાલ તરફથી મંજૂરી પણ મળી ગઇ છે અને સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે, જેના કારણે રાજય સરકારને નવા નિયમો બનાવીને ટ્રાન્‍સફર ફીમાં સુધારા-વધારા કરવાની સત્તા આપોઆપ મળી જાય છે.

(9:47 AM IST)