તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
અમદાવાદ મનપાના 182 કરોડના ખર્ચે બનાવેલા 1000 ઘર જર્જરિત:હવે તોડી પાડવાનો નિર્ણય
વટવામાં EWSના 1,000 તૈયાર મકાનો 12 વર્ષથી ફાળવાયા ન હોવાને આ મકાનો ખંડેર અને જર્જરિત બની ગયા

અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરના વટવા વિસ્તારમાં ગરીબ આવાસ યોજના (EWS) હેઠળ અંદાજે રૂપિયા 182 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લગભગ 1,000 જેટલા જર્જરિત મકાનો જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCના અણઘડ આયોજન અને અમલને કારણે કરોડોના રૂપિયના ખર્ચે બનાવવામાં આવેલા અને અગમ્ય કારણોસર ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં નહીં આવેલા એક હજાર મકાન તોડવામાં આવી રહ્યા છે.
એટલું જ નહીં પરંતુ હાલ AMCનું જ બુલડોઝર અને JCB ચલાવવામાં આવી રહ્યું છે અને AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગનો હથોડો ઝીંકવામાં આવી રહ્યો છે. AMCના બેજવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોને કારણે વટવામાં EWSના 1,000 તૈયાર મકાનો 12 વર્ષથી ફાળવાયા ન હોવાને આ મકાનો ખંડેર અને જર્જરિત બની ગયા છે.
વટવામાં EWS હેઠળ બનાવાયેલા મકાનો પૈકી કેટલાક મકાનોમાં લોકો ગેરકાયદે ઘુસી જઈને કબજો જમાવ્યો હોવાની તેમજ અસામાજિક અને લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. તેમજ કેટલાંક મકાનોમાં પરપ્રાંતીયો રહેતા હોવાની અને તેમની પાસેથી લેભાગુ તત્વો ગેરકાયદે ભાડું વસૂલતા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.
મ્યુનિ. દ્વારા શહેરી ગરીબોને ‘ ઘરનું ઘર' પૂરૂં પાડવા અંગે બેવડી અને વ્હાલા- દવાલાની નીતિ અપનાવાતી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા ગરીબોને 'ઘરનું ઘર'ની મોટી મોટી જાહેરાતો કરાય છે. ત્યારે બીજી તરફ વટવામાં 182 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પણ 12 વર્ષથી ધુળ ખાતા 1,000 મકાનોને ધરાશાયી કરવાનો વારો આવ્યો છે.
વટવામાં કરોડોના ખર્ચે બનાવાયેલી 1,000 મકાનો ગરીબોની નહીં ફાળવવા અંગે કોની જવાબદારી નક્કી કરાશે ? આ મકાનો ગરીબોને નહીં ફાળવવાને કારણે રૂપિયા182 કરોડનો ખર્ચે એળે ગયો છે તે માટે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે? વગેરે જેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
