News of Friday, 20th September 2024
ગુજરાતનો રૂદ્ર પેથાણી સાયન્સ ઓલિમ્પિયાડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર ગોલ્ડ મેડલ વિજેતા
રાજકોટની ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ XI માં અભ્યાસ કરતા રુદ્ર પેથાણીની સફળતા તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવી સીમાઓ શોધવાની તકની આતુરતા એ અન્ય વિધ્યાર્થી માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું

ગાંધીનગર: ગુજરાતના રાજકોટ જિલ્લાના રુદ્ર પેથાણી, જેઓએ વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા ભારતનું નામ રોશન કર્યું છે. રુદ્રએ સતત તેના સમર્પણ અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે, જેઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે.
1લી થી 10મી ડિસેમ્બર 2023 દરમિયાન થાઈલેન્ડના બેંગકોકમાં આયોજિત 20મી ઈન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં રુદ્રની શ્રેષ્ઠતાની સફર તાજેતરમાં દર્શાવવામાં આવી હતી. ત્યાં તેણે તેની વૈજ્ઞાનિક કુશળતાનું પ્રદર્શન કર્યું અને આપણા દેશને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ અપાવ્યો, જે તેની મહેનત અને જ્ઞાનનું પ્રમાણ દર્શાવે છે.
તેમની સિદ્ધિઓ માત્ર અહીંયા જ પૂરી થઈ જતી નથી , રુદ્રએ ચીન દેશના બેઇજિંગ ખાતે 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં પ્રભાવશાળી મેડલને હાંસલ કરીને ભારતનું વૈશ્વિક સ્થાન ઊંચું કર્યું હતુ. આ સ્પર્ધાની ત્રણેય શ્રેણીઓમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ હાંસલ કરેલો હતો. તેમના વિજ્ઞાન વિષય પ્રત્યેનો જુસ્સો ભારતના યુવાના દિમાગ પર કેટલો પ્રભાવ કરી શકે છે તેનું તેજસ્વી ઉદાહરણ બતાવે છે.
હાલમાં રાજકોટની ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ XI માં અભ્યાસ કરી રહેલા રુદ્ર પેથાણીની સફળતા તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવી સીમાઓ શોધવાની તકની આતુરતા એ અન્ય વિધ્યાર્થી માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડે છે. તેમની આ સફર માત્ર વ્યક્તિગત સિદ્ધિઓ જ નહીં પરંતુ પ્રગતિશીલ ભારત માટે આશા અને પ્રેરણાનો વ્યાપક સંદેશ પણ દર્શાવે છે.
આ નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા અને ભાવિ પેઢીને પ્રેરણા આપવા હેતુ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) એ ઈન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર રુદ્ર પેથાણી અને યુવા રીસર્ચર શ્રુતિ પટેલના સન્માન માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રુતિ પટેલ એ 27મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસમાં "ક્રેડલ ડિવાઇસ" માટે પેટન્ટ મેળવ્યું હતું.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના અગ્ર સચિવશ્રી શ્રીમતી મોના ખંધાર, IAS, જેઓએ રુદ્રની સિદ્ધિઓની પ્રસંશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "રુદ્ર પેથાણીની સિદ્ધિઓ ગુજરાત અને ભારતના તમામ યુવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક છે. તેમનું સમર્પણ અને આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલિમ્પિયાડ્સમાં સફળતા એ માત્ર વ્યક્તિગત ગર્વની બાબત નથી પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આપણી યુવા પેઢી જે વિશાળ તકો ધરાવે છે તે પણ દર્શાવે છે. આપણી સરકાર વિવિધ પહેલ દ્વારા આ પ્રતિભાને બહાર લાવવા માટે પ્રતિબદ્ધ છે.
ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સક્રિયપણે વિજ્ઞાન શિક્ષણ, સંશોધન અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપી રહ્યો છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) જેવી સંસ્થા દ્વારા, હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE) અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈના સહયોગથી સાયન્સ ઓલિમ્પિયાડ્સ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સનું આયોજન કરે છે. આ કાર્યક્રમો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર, જુનિયર સાયન્સ અને અર્થ સાયન્સ જેવા વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે તેમજ તે અંગેની તાલીમ અને તૈયારી કરવામાં પણ મદદરુપ થાય છે.
ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ તથા પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ સ્થિત રીજીયોનલ સાયન્સ સેંટર્સ તેમજ વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢમાં નવા વિકસિત રીજીયોનલ સાયન્સ સેંટર્સ યુવાન મનની કલ્પના અને આકાંક્ષાઓને બળ આપે છે. સમગ્ર રાજ્યમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રો વિકસાવવાની યોજનાનો ઉદ્દેશ્ય વિજ્ઞાનના શિક્ષણને પાઠ્યપુસ્તકો અને વર્ગખંડોથી આગળ લઈ જવાનો છે, જે વિદ્યાર્થીઓ માટે રસપ્રદ અને આકર્ષક અનુભવ પ્રદાન કરે છે.
ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂ એ વ્યક્ત કરતાં કહ્યુ હતું કે ‘રુદ્ર અને શ્રુતિનું સન્માન કરીને, આપણે આપણા યુવાનોમાં STEM ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મળે તથા અન્ય લોકોને વિજ્ઞાન અને ટેકનોલૉજીમાં તેમના સપનાને આગળ વધારવા પ્રેરણા મળી રહે તથા તેમની સિદ્ધિઓ અને દ્રઢતાની શક્તિ "વિકસીત ભારત" માટે આગળ રહેલી અનંત શક્યતાઓનો આ પુરાવો છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
