<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

રાજપીપળા કરજણ ઓવારે કૃત્રિમ તળાવમાં પાણીના અભાવે શ્રીજીની પ્રતિમાઓ ઓગળી નહિ : હિંદુ સમાજની લાગણી દુભાઈ

કૃત્રિમ તળાવમાં પાણી ચાલુ રાખવા તંત્રની સૂચના છતાં પાણી કેમ બંધ કરાયું, ગણેશ મંડળના સંચાલકોનો પ્રશ્ન:રાજપીપળા ગણેશ મંડળના સંચાલકો કરજણ ઓવારે ગયા ત્યાર બાદ પાલિકાએ કૃત્રિમ તળાવમાં પાણી ચાલુ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળામાં હાલમાં જ તંત્ર દ્વારા બનાવાયેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જો કે તંત્ર દ્વારા લેવાયેલ કૃત્રિમ તળાવનો અગાઉ ગણેશ મંડળ દ્વારા વિરોધ તો કરાયો હતો.ગણેશ મંડળો દ્વારા તંત્ર સમક્ષ એવી આશંકાઓ વ્યક્ત કરાઈ હતી કે કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓ ઓગળવામાં વિલંબ થશે.અને એવું જ થયું વિસર્જનના 2 દિવસ બાદ પણ શ્રીજીની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં પાણીના અભાવે ઓગળી નહિ પણ બહારની બહાર જ રહેતા હિંદુ સમાજ અને શ્રીજી ભક્તોની લાગણી દુભાઈ છે.
   રાજપીપળા કરજણ ઓવારે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓ ઓગળી ગઈ છે કે નહિ એ જોવા આજે કેટલાક ભક્તો પહોંચ્યા હતા. એમણે ત્યાં જોયું કે કૃત્રિમ તળાવમાં પાણી બંધ છે અને શ્રીજીની પ્રતિમાઓ બહારની બહાર જ રહી ગઈ છે. એ જોઈ ભક્તો રોષે ભરાયા હતા.એવામાં જોગાનુજોગ નગરપાલિકાના કર્મચારીઓએ આવીને ફરીથી પાણી ચાલુ કર્યું, અને ભક્તોને આશ્વાસન આપ્યું કે હવેથી 24 કલાક પાણી ચાલુ રેહશે.
   હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પાણી ચાલુ રાખવાની સુચના છતાં પાણી બંધ કેમ રહ્યું, કૃત્રિમ તળાવની દેખરેખ રાખવા કોઈ હાજર કેમ હતું નહિ.આ બાબતે નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરે એવી શ્રીજી ભક્તોની માંગ છે.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે અમુક ગણેશ મંડળો દ્વારા તો કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરાઈ ન્હોતી, તેઓ બીજે દિવસે ગરુડેશ્વર ખાતે શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન માટે લઈ ગયા હતા.પરંતુ જે ભક્તોએ તંત્રના ભરોશે રહી કરજણ ઓવારે કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કર્યું તેઓની લાગણી જરૂર દુભાઈ છે એવી ચર્ચાઓ થઈ રહી છે

(11:14 PM IST)