<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

ગુજરાતમાં ચોમાસાની ઋતુ વિદાય તરફ પ્રયાણ પરંતુ જતા જતા ત્રણ દિવસમાં કેટલાક વિસ્‍તારમાં અતિ ભારે વરસાદ ખાબકવાના એંધાણઃ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે

હવામાન વિભાગે 25થી 27 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કર્યુ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ વિદાય તરફ પ્રયાણ કરી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાતોએ નવરાત્રિ પહેલા વાતાવરણમાં પલટો આવશે તેમ જણાવ્યું છે. જ્યારે હવામાન વિભાગે પણ સપ્ટેમ્બરના અંતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેવું પૂર્વાનુમાન કર્યું છે. હવામાન વિભાગે 25થી 27 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપ્યું છે.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જોકે, કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેશે.
ભારે વરસાદની આગાહીની વાત કરતાં તેમણે જણાવ્યું કે, ચોથા દિવસે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ સાથે જ સાતમા દિવસે પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે.
રામાશ્રય યાદવે તાપમાનની વાત કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં શનિવારે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે આજે 36 ડિગ્રી તાપમાન રહેવાનું પૂર્વાનુમાન છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે બનેલી છે. આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે 23મી તારીખે એક લો પ્રેશર એરિયા બનશે. તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે. આ સિસ્ટમના પ્રભાવ અને તેની હલચલને ધ્યાનમાં રાખતાં 4, 5 અને છઠ્ઠા દિવસે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિ પહેલા વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવ્યું છે.

(11:25 AM IST)