અમદાવાદ જિલ્લામાં સેવા સહકારી મંડળી સંચાલિત પ્રથમ જનઔષધિ કેન્દ્ર અસલાલીમાં : નરહરિ અમીનના હસ્તે પ્રારંભ
૧૧૭ વર્ષ જુની સહકારી મંડળીનો નફો રૂા. ૧ કરોડ : ઘનશ્યામભાઇ અમીન

અમદાવાદ તા. ૨૩ : સહકાર મંત્રાલય, ન્યૂ દિલ્હીની પ્રેરણાથી અસલાલી સેવા સહકારી મંડળી લિ. અસલાલી દ્વારા અમદાવાદ જિલ્લાનું પ્રથમ સહકારી મંડળી સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધ કેન્દ્રનું ઉદ્દઘાટન રાજ્ય સભાના સાસંદ, શ્રી નરહરિ અમીનના હસ્તે રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ, નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રેસિડેન્ટ અને અસલાલી સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રી ધનશ્યામભાઈ અમીનના પ્રમુખ પદે સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
અસલાલી સેવા સહકારી મંડળી લિ. દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષય કેન્દ્રનું ઉદ્દઘાટન કરતા રાજ્ય સભાના સાસંદ, અને ગુજરાતના પૂર્વ નાયબમુખ્યમંત્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે સૌના સાથ સૌના વિકાસ સાથે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે રહેવા, જમવા અને આરોગ્યની ચિંતા કરી છે. ૭૦ વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ હોય તેમનો ૫ લાખ રૂપિયા સુધીનો ઇલાજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. માસિક ૫૦ હજારથી ઓછી આવક ધરાવતા કુંટુંબના સભ્યોની રૂપિયા ૧૦ લાખ સુધીની સારવાર ગુજરાત સરકાર કરી આપે છે. આજે અસલાલી ગામમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ૧૦ થી ૮૦ ટકા સુધીનાં ડિસ્કાઉન્ટમા દવાઓ ઉપલબ્ધ થાય તે માટે અસલાલી સેવા સહકારી મંડળી દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધ કેન્દ્રનું શરૂ કરવામાં આવ્યું છે તેનો લાભ મંડળીના સભાસદો ઉપરાંત ગામના લોકોને રાહત દરે મોંઘાભાવની દવાઓ સસ્તા દરે મળતી થશે.
અધ્યક્ષ સ્થાનેથી શ્રી ઘનશ્યામભાઈ અમીને મંડળીના પાયાના પ્રયોજકોને યાદ કરી સભાસદોને મંડળી દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓની વિગતો આપી જણાવ્યું હતું કે, આ મંડળીની શરુઆત ૧૯૦૭ માં ૨૫૦ રુપિયાના શેર ભંડોળથી શરુ થઈ હતી. આજે ૪૦ લાખ રુપિયાનું શેર ભંડોળ છે. ૧ કરોડનો નફો કરે છે, અને છેલ્લા ૨૩ વર્ષથી ૧૫ ટકા ડિવિડન્ડ અને બે વર્ષથી ૨૦ ટકા ડિવિડન્ડ વહેચે છે. આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધ કેન્દ્ર દ્વારા ભારતની બ્રાન્ડેડ કંપની દવાઓ તેની એમઆરપી કરતાં ઘણા ઓછાભાવે આપવામાં આવશે.
મુખ્ય મહેમાન સ્થાનેથી અમદાવાદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિ.ના વાઈસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલે જિલ્લા બેન્કની યોજનાની વિગતો આપી હતી.
મહેમાન તરીકે ઉપસ્થિત અમદાવાદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિ.ના જનરલ મેનેજર કિરિટભાઈ બાપોદરિયા અને જિલ્લા રજિસ્ટ્રાર ગ્રામ્ય, અમદાવાદ મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, સહકારથી સમળદ્ધિની પહેલમાં અસલાલી સેવા સહકારી મંડળીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધ કેન્દ્ર શરૂ કરી મેડિકલ સેવા આપવાનું શરૂ કર્યું છે તે આદર્શ કાર્ય ગણી શકાય. મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મંડળીના ડિરેકટર અજિતભાઈ પટેલે કર્યું હતું. મોટી સંખ્યામાં મંડળીના સભાસદો અને વિવિધ સેવા સહકારી મંડળીઓના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
