<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત - જેમ-જેમ સમય પસાર થતો જશે તે વરસાદી જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60થી 65 ટકા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પડશે સૌથી વધારે વરસાદ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં હવે ચોમાસાંના વરસાદનો છેલ્લો રાઉન્ડ : આગામી 4થી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે : બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર 1થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ

અમદાવાદ તા.૨૪ :  હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, આગામી 4થી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે અને આ ચોમાસાંના વરસાદનો છેલ્લો રાઉન્ડ હશે. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 2024ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. ત્યારે નૈઋત્ય ચોમાસાની હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસાનો હજુ એક વરસાદનું રાઉન્ડ આવી રહ્યો છે. 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોની અંદર બેથી પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં આવનારા દિવસમાં 25થી 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેસર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે. 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ-જેમ સમય પસાર થતો જશે તે વરસાદી જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60થી 65 ટકા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. સૌથી વધારે વરસાદ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં 4થી 6 ઇંચ વરસાદ અને એક બે સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારતીય અધિકારે વરસાદની શક્યતાઓ છે. 

24થી 30 સપ્ટેમ્બર વચ્ચે મધ્યમ ઝાપટાઓ જોવા મળશે

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ જેવા વિસ્તારોની અંદર આવનારા 4-5 દિવસ સુધી એટલે કે 24થી 30 સપ્ટેમ્બર વચ્ચે મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર જીલ્લામાં પણ 2થી 3-4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24થી 30 તારીખ સુધીનું સેશન છે. એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બર જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે. 27 તારીખે અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ક્યાંક છૂટાછવાયા ઝાપટા અને 3 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. પાટણ અને મહેસાણા જિલ્લોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાંઓ જોવા મળશે. અરવલ્લી જિલ્લામાં એકંદરે 2થી 4 ઇંચ સુધીના વરસાદ થશે. 

કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગોમાં બહુ શક્યતાઓ નથી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 26, 27 અને 28 તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગોમાં બહુ શક્યતાઓ નથી. પૂર્વના ભાગોમાં ખાસ કરીને બહુ જ ઓછો અને રાપર તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર 1થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં હળવા, મધ્યમ અને ભારે ઝાપટાઓ જોવા મળશે. અહીં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. તો ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તેમાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને ભારે પવન સાથે વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને 27, 28 તારીખ એમ બે દિવસ દરમિયાન વરસાદ વધારે જોવા મળશે. બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે. આ પ્રકારનું ગુજરાતનું હવામાન આવનારા 4-5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. આમ 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે. આ વરસાદનો રાઉન્ડ 30 તારીખે પૂર્ણ થાય તે પછી તે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ શરૂઆત થઈ જશે.

(1:13 PM IST)