News of Wednesday, 25th September 2024
કોઇ છાત્રની શિષ્યવૃતિ બંધ કરવાની નથી, જરૂર પડયે ઇ-કેવાયસીની મુદત લંબાવાશે
વાલીઓ- શિક્ષકો સહકાર આપેઃ શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરની અકિલા સાથે વાતચીત " રેશનકાર્ડમાં વિદ્યાર્થીનું નામ આવવાથી સરકારની અન્ય યોજનાનો પણ લાભ મળશે

રાજકોટ તા. રપ :.. રાજય સરકાર દ્વારા ધો. ૧ થી ૯ માં શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓ માટે ઇ-કેવાયસી પ્રક્રિયા કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ, મહેસુલ વિભાગ, નાગરિક પુરવઠા વિભાગ વગેરેએ સાથે મળીને શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીનું નામ તેના પરિવારના રેશનકાર્ડમાં ન હોય તો ઉમેરાય તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. વિપક્ષે સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટેની આ ઇ-કેવાયસી પ્રક્રિયાને સાત કોઠા વીંધવા સમાન ગણાવી વિરોધ કર્યા છે.
રાજયના પ્રાથમિક, માધ્યમિક અને પ્રોૈઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે શિષ્યવૃતિ મેળવતા વિદ્યાર્થીએ ઇ-કેવાયસી પ્રક્રિયા એક જ વખત કરવાની છે. તે ઘરે બેઠા પણ ઓનલાઇન કરી શકે છે. ઇ-કેવાયસી કરાવવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદત છે. અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે. જરૂરીયાત મુજબ મુદત વધારવાની સરકારની તૈયારી છે. સરકાર કોઇની શિષ્યવૃતિ બંધ કરવા કે રોકવા માંગતી નથી. રેશનકાર્ડમાં વિદ્યાર્થીનું નામ ઉમેરાઇ જવાથી સરકારની અન્ય યોજનાઓનો મળવાપાત્ર લાભ પણ મળી શકશે. સરકારની કામગીરી વિદ્યાર્થીઓના હિતમાં છે. દરેક જિલ્લામાં આ કામગીરી માટે નાયબ મામલતદારોને જવાબદારી સોંપવામાં આવેલ છે. શિષ્યવૃત્તિ આપવાની અને ઇ-કેવાયસી કરવાની તે બન્ને કામગીરી ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો પારદર્શક વહીવટી હેતુના આ કાર્યમાં સહકાર આપે તેવી મારી અપીલ છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
