News of Wednesday, 25th September 2024
અમદાવાદમાં ધોધમાર, સુરત અને સાબરકાંઠા માં પણ વાતાવરણમાં પલટો

અમદાવાદ : દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. મંગળવારે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.
મુશળધાર વરસાદે શહેરનાં મોટાભાગના વિસ્તારોની ભીંજવી દીધા છે, ત્યારે ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઈવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આગામી ચાર દિવસ ક્યાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
25 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
26 સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
27 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર.
28 સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
