<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની મુલાકાત લીધી : આ સાથે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે અમદાવાદ ખાતે શ્રી સંઘવીએ યોજી મહત્વપૂર્ણ બેઠક

તા.૩જી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરી અને અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું ઉદ્ઘાટન

ગાંધીનગર : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ ખાતે નવી પોલીસ કમિશ્નરશ્રીની કચેરીની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત નવનિર્મિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રકારનું ઇન્ટ્રોગેશન સેન્ટર રાજ્યમાં પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યું છે જેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આગામી તા.૩જી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. સાથે સાથે નવનિર્મિત આ અદ્યતન જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા.

આ સાથે, અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં ૫૯૦૭ ચો.મીટર વિસ્તારમાં અંદાજીત રૂ.૬.૨૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં કોન્ફરન્સ હોલ, ૩ ઇન્ટ્રોગેશન રુમ, ૩ ઇન્વેસ્ટીગેશન રુમ, કિચન તથા કેન્ટીન, બે એસ.આર.પી. ગાર્ડ રુમ, આર.સી.સી. ઇલેક્ટ્રિક વાયર સાથેની ૩૦ ફૂટ ઊંચી કંમ્પાઉન્ડ વોલ, ગાર્ડન, આર.સી.સી. રોડ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં ૧૬ પુરુષ બેરેક અને ૦૨ મહિલા બેરેક મળી અંદાજીત ૭૬ વ્યક્તિઓની ક્ષમતા હશે.

અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રીના અધ્યક્ષપદે અમદાવાદ શહેરના ટ્રાફિક પ્રશ્નોના નિવારણ માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેર અને પોલીસ કમિશનર અમદાવાદ શહેર ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફીકના પ્રશ્નો, ટ્રાફીક સમસ્યા અને તેના ઉકેલ માટે સંયુક્ત બેઠક યોજીને સુચના આપી હતી.

અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સ્થળ વિઝિટ કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાના ઝોનલ અધિકારીશ્રીએ દર ૧૫ દિવસે મિટીંગ કરીને ટ્રાફીકના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ માટે તાકીદ કરી હતી. તે ઉપરાંત દર મહિને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરએ મિટીંગ કરવાની તેમજ દર ૨ મહિને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કક્ષાએ સમીક્ષા બેઠક યોજીને ગૃહરાજ્યમંત્રીને અહેવાલ આપવા સૂચના આપી છે.

(8:50 PM IST)