<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અમદાવાદ આરટીઓ ખાતે નંબર ૧૧૧૧ રૂા. ૨૩.૨૪ લાખમાં ગયો

ઇ-ઓકશનમાં ૦૦૦૧, ૦૦૦૭, ૯૯૯૯ અને ૭૭૭૭ જેવા નંબરો માટે સ્‍પર્ધાત્‍મક બિડ જોવા મળી હતી

અમદાવાદ તા. ૨૭ : સુભાષ બ્રિજ આરટીઓ દ્વારા તાજેતરની ઇ-ઓક્‍શન દરમિયાન સ્‍પેશિયલ કેટેગરીના વાહનનો રજીસ્‍ટ્રેશન નંબર ૧૧૧૧ રૂ. ૨૩.૨૪ લાખમાં ગયો હતો. ત્‍યારે અમુક ‘ગોલ્‍ડન કેટેગરી' નોંધણીઓની માંગ હજુ પણ આસમાને છે.

જેજે પટેલ, સુભાષ બ્રિજ આરટીઓ, સમજાવે છે, ‘અમદાવાદીઓ કે જેઓ નવી અને હાઇટેક કાર ખરીદવાનું પસંદ કરે છે તેઓ પણ તેમના વાહન માટે અમુક અંકોના રજીસ્‍ટ્રેશન નંબરને શુભ અથવા અશુભ માને છે. તેથી, એક કરતાં વધુ વાહન માલિક ચોક્કસ નોંધણી નંબર મેળવવા માટે અરજી કરે છે.'

ઈ-ઓક્‍શનમાં ૦૦૦૧, ૦૦૦૭, ૯૯૯૯ અને ૭૭૭૭ જેવા નંબરો માટે સ્‍પર્ધાત્‍મક બિડ જોવા મળી હતી. જયારે ૧૧૧૧ માટે બિડ વિક્રમી રૂ. ૨૩.૨૪ લાખ સુધી પહોંચી હતી, અન્‍ય ‘ગોલ્‍ડન નંબર્સ' માટે બિડની રકમમાં અગાઉના વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો હતો.

૨૦૨૩માં, ૦૦૦૧ નંબરે રૂ. ૨૫ લાખની બોલી લગાવી હતી, જે હવે ઘટીને રૂ. ૯.૦૩ લાખ થઈ ગઈ છે. એ જ રીતે, નંબર ૦૦૦૭, જે એક સમયે રૂ. ૨૧ લાખ મેળવતો હતો, તે આ વર્ષે માત્ર રૂ. ૩.૬૧ લાખની બોલી મળી હતી. ૯૯૯૯ની બિડ રૂ. ૮.૯૩ લાખથી ઘટીને રૂ. ૮૩,૦૦૦ અને ૭૭૭૭ નંબરની બોલી રૂ. ૫.૨૫ લાખથી ઘટીને રૂ. ૨.૭૫ લાખ થઈ હતી.

ગોલ્‍ડન કેટેગરીના કાર રજિસ્‍ટ્રેશન નંબરની મૂળ કિંમત રૂ. ૪૦,૦૦૦ અને ટુ-વ્‍હીલર માટે રૂ. ૮,૦૦૦થી શરૂ થાય છે. સિલ્‍વર કેટેગરીના નંબરની મૂળ કિંમત કાર માટે રૂ. ૧૫,૦૦૦ અને ટુ-વ્‍હીલર માટે રૂ. ૩,૫૦૦ છે.

 

(10:16 AM IST)