News of Friday, 27th September 2024
ગુજરાતમાં ૩ નવા જિલ્લાઓ રચાશેઃ ભૌગોલિક-રાજકીય ચિત્ર બદલાશે
સુરેન્દ્રનગર, કચ્છ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશેઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચુંટણી પાછી ઠેલાવાની શકયતા

રાજકોટ, તા., ર૭: ગુજરાતમાં નવા ૩ જિલ્લાઓ બનાવવા માટે હિલચાલ શરૂ થયાના નિર્દેષ ે. મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના અમુક જિલ્લાઓનું વિભાજન કરી ૩ નવા જિલ્લાઓ બનાવવા સરકાર આગળ વધી રહયાનું જાણવા મળે છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી કરવા પાત્ર છે. આ વિસ્તારમાં કોંગીનું નોંધપાત્ર વર્ચસ્વ છે. સરકાર જો નવા જિલ્લાની રચનામાં બનાસકાંઠાનું વિભાજન કરે તો જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી પાછી ઠેલાશે. સરકારે નવા જિલ્લાઓની રચના બાબતે સતાવાર કોઇ જાહેરાત કરી નથી પણ આધારભુત વર્તુળો નવા જિલ્લાઓની રચનાની બાબતને સમર્થન આપે છે. બે નવા તાલુકાઓ પણ અસ્તિત્વમાં આવે તેવી શકયતા છે.
બનાસકાંઠાના અમુક તાલુકાઓ અને કચ્છમાં રાપર વિસ્તારને જોડીને નવો રાધનપુર અથવા થરાદ તાલુકો બનાવવાની ગતિવિધ થઇ રહયાનું સંભળાય છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી અમુક તાલુકાઓ ભેગા કરીને વડનગર જિલ્લો બનવાની શકયતા છે. વડનગરનું ઐતિહાસિક મહત્વ છે. તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વતન છે.
અમદાવાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો ભેગા કરીને નવો વીરમગામ જિલ્લો બને તેવી સંભાવના છે. સુરેન્દ્રનગરમાંથી દસાડા-પાટડી વિસ્તારને સુચીત નવા વીરમગામ સાથે જોડવાનું ભૌગોલીક રીતે અનુકુળ પડે તેમ છે. ઉતર ગુજરાતમાં બે નવા તાલુકાઓ પણ બની શકે છે. ભૌગોલીક અને વહીવટી સરળતા ખાતર નવા જિલ્લાઓ અને તેવી શકયતા છે. હાલ કુલ રપર તાલુકાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે છેલ્લે ર૦૧૩ માં નવા ૭ જિલ્લાઓની રચના કરેલ જેમાં મોરબી, બોટાદ, સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દેવભુમી દ્વારકા, છોટા ઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે. તે વખતે ર૬માંથી ૩૩ જિલ્લાઓ થયેલ હવે ૩ નવા જિલ્લા ઉમેરાય તો જિલ્લાઓની કુલ સંખ્યા ૩૬ થશે. નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવતાની સાથે જ જે તે વિસ્તારનું ભૌગોલીક અને રાજકીય ચિત્ર બદલાશે.
સંભવત નવા જિલ્લાઓમાં કયાંથી શું બાદબાકી અને શું ઉમેરો ?
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૭: ગુજરાતમાં ૩ નવા જિલ્લાઓ અને બે તાલુકાની જાણવા મળેલ સંભવિત રચના નીચે મુજબ છે.
વડનગર નવો જીલ્લો બનશે
તાલુકા-વડનગર, ખેરાલુ, વિસનગર, સતલાસણા, વડગામ (બનાસકાંઠા માંથી)
મહેસાણા જિલ્લા
મહેસાણા, ઉંઝા, કડી, જોટાણા, ગોઝારીયા, કુકરવાડા, ચાણસ્મા (પાટણ માંથી)
વિરમગામ જીલ્લો
તાલુકા- વિરમગામ, માંડલ, દેત્રોજ, બાવળા, અને સુરેન્દ્રનગર નો દસાડા તાલુકાનો સમાવેશ કરાશે
રાધનપુર જીલ્લો
રાધનપુર, સાંતલપુર, ભાભર, સુઈગામ, સમી, રાપર (કચ્છ માંથી)
પાટણ જીલ્લો
પાટણ, હારીજ, સરસ્વતી, સિધ્ધપુર, શંખેશ્વર, કાંકરેજ (બનાસકાંઠા માંથી)
બનાસકાંઠા
પાલનપુર, દાંતા, દાંતીવાડા, અમીરગઢ, ડિસા, ભીલડી, ધાનેરા
થરાદ જીલ્લો
તાલુકા- થરાદ, વાવ, દિયોદર લાખણી રાહ ઢીમા (ટડાવ)
નવા બે તાલુકા બની શકે
થરાદ માંથી રાહ અને વાવ માંથી ટડાવ અથવા ઢીમા તાલુકો બની શકે છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
