<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

નર્મદાના સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ-ઉપસરપંચ વચ્ચેનો વિવાદ વકર્યો: ઉપસરપંચ બાદ 2 સભ્યોના પણ રાજીનામા

આ રાજીનામાંને પગલે સાગબારા અને સેલંબા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનુ નિર્માણ :અમને સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મહીલા સરપંચે રાજીનામા સ્વીકારવાની ના પાડી એટલે કોઈના રાજીનામા સ્વીકાર્યા નથી: જગદીશ જાદવ, તલાટી સેલંબા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:હાલમાં જ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે અચાનક ડેપ્યુટી સરપંચ પદેથી રાજીનામું આપી દીધું હતું. એ રાજીનામાના ગણતરીના કલાકોમાં જ સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના 2 સભ્યો અમિત વાળંદ (સુર્યવંશી) અને પંકજ આહિરે એ પણ રાજીનામા ધરી દેતા સરપંચ- ઉપસરપંચ વચ્ચેનો વિવાદ હવે સપાટી પર આવ્યો છે.  આ રાજીનામાંને પગલે સાગબારા અને સેલંબા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનુ નિર્માણ થયું છે.કારણ કે આ રાજીનામાં આપનાર એક સભ્ય અમીત વાળંદ (સુર્યવંશી) સાગબારા મંડળ ભાજપ મહામંત્રી અને પંકજ આહિરે સાગબારા મંડળ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અઘ્યક્ષ છે.
સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં 1 ઓકટોબરે સામાન્ય સભા મળી હતી તો બીજી બાજુ સાગબારા મંડળ ભાજપ મહામંત્રી અમીત વાળંદ ( સુર્યવંશી) અને પંકજ આહિરે દ્વારા સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.જો કે આ બાબતે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી જગદીશ જાદવે જણાવ્યું હતું કે અમને સરપંચે રાજીનામા સ્વીકારવાની ના પાડી એટલે કોઈના રાજીનામા સ્વીકાર્યા નથી.
ચંદ્રકાંત લુહાર પંચાયતના સભ્ય પદેથી કેમ રાજીનામું આપતા નથી??
સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદેથી રાજીનામું આપનાર ચંદ્રકાંત લુહાર પંચાયતના સભ્ય પદેથી કેમ રાજીનામું આપતા નથી.શુ તેઓ ઉપસરપંચ પદેથી રાજીનામું આપી સરપંચ અને ભાજપનું નાક દબાવવા માંગે છે, સહિત અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.

(11:22 PM IST)