<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

ગોપીઓ' બિન્‍દાસ ગરબે ઘૂમી શકશે : વાહન ન મળે તો પોલીસ મદદ કરશે

બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો ૧૦૦ નંબર અથવા ૧૮૧ નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે : નાગરીકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત

અમદાવાદ, તા.૪: નવરાત્રિ દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્‍ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. કોઈપણ સ્‍થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અવાવરું જગ્‍યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો ૧૦૦ નંબર અથવા ૧૮૧ નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે.

નવરાત્રિ પર્વ દરમ્‍યાન તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્‍યા છે. કંટ્રોલરૂમમાંથી બારીકાઈથી CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉચ્‍ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિ દરમિયાન તમામ શહેર-જિલ્લા ખાતે ૫,૧૫૨ CCTV કેમેરા લગાવવામાં આવ્‍યા છે.

ગરબા રમવા અને જોવા માટે મોટી સંખ્‍યામાં લોકો આવતા હોય છે જેના કારણે એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ સતત અવરજવર રહેતી હોય છે. જેને ધ્‍યાને લઇ આવા વિસ્‍તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કયાંય ટ્રાફિકની સમસ્‍યા ન સર્જાય તેનું પણ ધ્‍યાન રાખવામાં આવી રહ્યું છે. શહેર વિસ્‍તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે જેથી અંતરિયાળ વિસ્‍તારોમાં પણ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહેશે.

(2:46 PM IST)