<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જતા તમામ ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદની સુવિધા

રણછોડરાયજી મંદિરની નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરાશે.

ગુજરાતમાં વીરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર, વડતાલ સહિતના અનેક મંદિરો-દેવસ્થાનો-યાત્રાધામો પર ભોજન પ્રસાદીની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેટલાક સ્થળો પર તો વર્ષોથી આ ભોજન-પ્રસાદની સુવિધા અપાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતના વધુ એક મંદિરે જતા શ્રદ્ધાળુઓને હોટલો-રેસ્ટોરન્ટ પર જમવું નહીં પડે. સોમવારથી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જતા તમામ ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. આ અંગે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે.

ડાકોર રણછોડરાયજી મંદિરે દર્શને આવતા તમામ ભક્તો હવે ભૂખ્યા નહીં રહે. 7 ઓક્ટોબરથી રણછોડરાયજી મંદિરની નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરાશે. આ ભોજન પ્રસાદીનો લાભ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ લઈ શકશે. જોકે, અત્યાર સુધી ડાકોરમાં મંદિર તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા હતી નહીં. ત્યારે હવે મંદિર કમિટીના આ નિર્ણય બાદ યાત્રિકો-ભક્તોએ ઐતિહાસિક ગણાવ્યો છે અને ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. તમામે આ નિર્ણયને આવકાર્યો છે.

(8:59 PM IST)