<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

રાજ્યના 39 તાલુકામાં વરસાદ :જૂનાગઢના માળિયા હાટીનામાં 4 કલાકમાં ગાજવીજ સાથે સવા 3 ઈંચ ખાબકયો

-ગણદેવીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ :માંગરોળમાં 35 મિમિ, રાણાવાવમાં 21 મિ.મી., કેશોદમાં 21 મિ.મી., પોરબંદરમાં 20 મિ.મી. જેતપુરમાં 19 મિ.મી. નવસારી શહેરમાં 15 મિ.મી., તાપીના સોનગઢ અને નવસારીના ખેરગામમાં 14-14 મિ.મી, વરસાદ વરસ્યો

અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ચોમાસાની વિદાય છતાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી રાજ્યના 39 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ 80 મિ.મી (3.15 ઈંચ) વરસાદ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં નોંધાયો છે. 4 કલાકમાં જ સવા 3 ઈંચ જેટલો વરસાદ તૂટી પડતા માળિયા હાટીના શહેરના મહારાણા પ્રતાપ ચોક અને બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માળિયા હાટીનામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. આ ઉપરાંત જૂનાગઢના માંગરોળમાં 35 મિ.મી (1.38 ઈંચ) વરસાદ વરસ્યો છે. જ્યારે સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં નવસારીના ગણદેવીમાં 51 મિ.મી (2.01 ઈંચ) વરસાદ ખાબક્યો છે.

  પોરબંદરના રાણાવાવમાં 21 મિ.મી., જૂનાગઢના કેશોદમાં 21 મિ.મી., પોરબંદરમાં 20 મિ.મી., રાજકોટના જેતપુરમાં 19 મિ.મી., નવસારી શહેરમાં 15 મિ.મી., તાપીના સોનગઢ અને નવસારીના ખેરગામમાં 14-14 મિ.મી, રાજકોટના કોટડા સાંગણી અને સુરત શહેરમાં 13-13 મિ.મી. તેમજ જૂનાગઢના મેંદરડા અને અમરેલીમાં 10-10 મિ.મી વરસાદ વરસ્યો છે.

(10:04 PM IST)