News of Wednesday, 16th October 2024
ગીરના સિંહોનું ચોમાસુ વેકેશન પૂર્ણ : સિંહ પ્રેમીઓના મતે ૧૦૦૦થી વધુ વસ્તી : સત્તાવાર ગણત્રી ૨૦૨૫માં
સિંહ, દીપડા, શિયાળ, ઝરખ જેવા સસ્તન વર્ગના મોટા અને મધ્યમ કદના માંસાહારી પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓ, સરિસૃપો, ઉભયજીવી, વૃક્ષો-વનસ્પતિઓ અને કટકોનો અહીં વાસ છે

દેશ અને દુનિયાનાં હજારો-લાખો લોકો ચાર મહિનાથી જે દિવસની રાહ જોઈ રહ્યા હતાં, તે દિવસ આવી ગયો છે! ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્ય દર વર્ષે ચોમાસાનાં ચાર મહિના દરમિયાન, એટલે કે ૧૬ જૂન થી ૧૫ મી ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે માટે બંધ રહે છે. જે ૧૬ મી ઓક્ટોબરથી ખુલી જશે. ગયાં વર્ષે ગીરમાં અધધ... ૭,૮૯,૨૮૭ મુલાકાતીઓ આવેલ!
ભૂતકાળમાં એશિયાઈ સિંહો અનેક દેશોમાં વિહરતાં હતાં. સ્પોર્ટ્સ નાં નામે થતાં શિકાર તથાં માનવીય પ્રવૃત્તિઓને લીધે તેમનાં કુદરતી રહેઠાણ એવા જંગલો ઘટવાથી ૨૦ મી સદીની શરૂઆતમાં લગભગ બધી જ જગ્યાએથી એશિયાઈ સિંહો નામશેષ થઈ ગયાં હતાં. માત્ર પશ્ચિમ ભારતનાં કાઠીયાવાડના ચારેક હજાર વર્ગ કિલોમીટર નાં ગીરનાં જંગલ અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં ફક્ત ૬૦ થી ૧૦૦ જેટલી સંખ્યામાં બચી ગયા હતાં. તે સમયે મુખ્યત્વે તત્કાલીન જુનાગઢ રાજયનાં ૮ માં નવાબ સાહેબ શ્રી રસુલખાનજી બાબી, ૯ માં નવાબ સાહેબ શ્રી મહાબતખાનજી બાબી, ઉત્તરોતર રાજય અને કેન્દ્ર સરકારો, વન વિભાગ તથા સ્થાનિક લોકોનાં સવાસો વર્ષોનાં ભગીરથ પ્રયત્નો પછી ૨૦૨૦ નાં પૂનમ અવલોકન પ્રમાણે ૩૦,૦૦૦ વર્ગ કિલોમીટર માં ૬૭૪ સિંહો જોવાં મળ્યાં છે. ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન જાણવાં મળેલ છે કે દર વર્ષે તેમની વસ્તી લગભગ પાંચ ટકા જેટલી વધે છે. સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે થાય છે. કેટલાંક સિંહ પ્રેમીઓ હાલ ૧,૦૦૦ થી વધુ સિંહો હોવાનું અનુમાન લગાવે છે, પરંતુ આ આધારભૂત સંખ્યા ના કહી શકાય. સન ૨૦૨૫ માં ઉનાળામાં જયારે ગણતરી થશે, ત્યારે જ ચોક્કસ આંકડો જાણવાં મળશે.
ગીર જંગલ ભલે સિંહ માટે વિશ્વ વિખ્યાત હોય, પરંતુ વનરાજ નાં કુદરતી રહેઠાણ અને તેનાં અનેક પશુ-પક્ષીઓ તથાં વૃક્ષો ની વિવિધતાઓ અને સમૃદ્ધિ ભાગ્યે જ બીજે ક્યાંય છે. સમગ્ર ભારતમાં માત્ર ગીરમાં સિંહ, દીપડા, શિયાળ, ઝરખ, વિગેરે જેવા સસ્તન વર્ગના મોટા અને મધ્યમ કદનાં માંસાહારી પ્રાણીઓ ખૂબ સારી સંખ્યામાં જોવા મળે છે. અહીં ૩૩૮ પ્રકારનાં પક્ષીઓ, ૪૧ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૪૭ પ્રકારનાં સરીસૃપો, ૧૦ પ્રકારનાં ઉભયજીવી, ૬૩૧ પ્રકારનાં વૃક્ષો-વનસ્પતિઓ અને ૨૦૦૦ થી વધારે પ્રકારનાં કીટકો વસે છે. અહીં રસ્ટી સ્પોટેડ કેટ, કીડી ખાઉં, ઘોરખોદિયુ, લોંકડી, શેઢાળી, ચોશીંગા, ટપકાંવાળાં હરણ, સાબર, દૂધરાજ, રાજગીધ, ચિલોત્રો, કલકલિયો, કોબ્રા, અજગર, તારક કાચબો, વિગેરે જેવાં અનેક વન્યજીવો રહે છે. બારે માસ વહેતી સાત નદીઓ અને ચાર ડેમો ગીરની આજુબાજુમાં વસેલાં અનેક ગામોમાં ખેતી અને પીવાનું પાણી પૂરું પાડે છે. એક સમયે મગરની સંખ્યા બહુ જ ઘટી ગઈ હતી ત્યારે ગીરમાં ક્રોકોડાઇલ બ્રિડિંગ સેન્ટર બનાવવામાં આવેલ. હાલ ગીરમાં જયાં જયાં પાણી છે, લગભગ બધી જગ્યાએ મગર પણ છે!
ચોમાસું પૂરૂં થતાં ગીરની સાથે રાજયનાં બીજા જંગલો પણ પ્રવાસીઓ માટે ખુલી જશે. દિવાળી અને નાતાલના વેકેશન દરમિયાન પ્રવાસીઓનો અતિશય ઘસારો હોય છે, તેથી શક્ય હોય ત્યાં સુધી, આ સિવાયના સમયે જો મુલાકાતનું આયોજન કરી શકાય તો વધારે હિતાવહ છે. ગીર જંગલ સફારી, ગિરનાર નેચર સફારી, દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, વિગેરેની એડવાન્સ ઓનલાઈન પરમીટ અને તેમનાં વિશેની રસપ્રદ માહિતી માટે એક માત્ર અધિકૃત લીંક નીચે મુજબ છે.
http://girlion.gujarat.gov.in
આલેખન અને તસ્વીરો
ભૂષણ પડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ,
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર
મો. ૯૪૨૮૨ ૦૩૧૧૭

(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
