News of Wednesday, 16th October 2024
કચ્છના કંડલાની ઇમામી કંપનીમાં મોટી દુર્ઘટના ગેસ ગળતરથી ૫ કામદારોના મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ :કચ્છના કંડલામાં કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાતા પાંચ કામદારોમાં મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
કંડલાની ઇમામી કંપનીમાં મોટી દુર્ઘટના ગેસ ગળતરથી ૫ કામદારોના મોત થયા છે.
કાલે મોડી રાત્રે દુર્ઘટના બની હોવાની ચર્ચા સાથે મૃતદેહો રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યાની માહિતી મળી રહી છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે.
કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું હતુ. તમામના મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ શ્રમિકો પરપ્રાંતીય છે.
મળતી માહિતી મુજબ, બનાવી રાત્રે સાડા બારા વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો નકારો કદડો (સ્લજ) ટેન્કમાં એકઠો થયો હતો. જેને સાફ કરવા સુપરવાઇઝર ટેન્ક ઉપર ચઢીને નિરીક્ષણ કરતો હતો. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે તે બેભાન થઈને ટેન્કની અંદર પડી ગયો હતો. જોકે, સુપરવાઇઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરોએ પણ અંદર ઝંપલાવ્યું હતું. બંને જણાંને ગૂંગળામણ થતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એખ ટેન્કમાં કૂદકો માર્યો.
જોતજોતામાં ટેન્કમાં ગયેલાં તમામ લોકો ગેસ ગળતરના કારણે ટેન્કમાં જ મૃત્યુ પામ્યા હતાં. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ, તમામ મૃતકોના ઘરે શોકનો માહોલ સર્જાયો છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
