<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપ એક્શનમાં : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા બેઠકના પ્રભારી તરીકે પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને જવાબદારી

ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને પરબત પટેલના પુત્ર શૈલેષ ચૌધરી, કરસનજી ઠાકોર, લાલજી પટેલ, રજની પટેલ, ગજેન્દ્રસિંહ રાણા સહિતના નામોની ચર્ચા

અમદાવાદ તા.૧૬ : ગુજરાતમાં બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે આ બેઠકને લઈને એક મોટા સમાચા સામે આવી રહ્યા છે. વાવ વિધાનસભાના પ્રભારી તરીકે ભાજયના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટી દ્વારા વાવ વિધાનસભાની જવાબદારી અર્જુનસિંહ ચૌહાણને સોંપાવામાં આવી છે. આ ઉપરાંત ભાજપે 3 નિરીક્ષકની પણ નિમણૂક કરી છે. 

અર્જુનસિંહ મહેમદાવાદ બેઠકના ધારાસભ્ય

કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે  ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી, ત્યારે વાવમાં ભાજપે અર્જુનસિંહ ચૌહાણને મોટી જવાબદારી આપતા તેમને પ્રભારી તરીકે જાહેરાત કરી છે. અર્જુનસિંહ ચૌહાણની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહેમદાવાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. હવે જોવાનું રહેશે કે અર્જુનસિંહની નિમણૂક બાદ કોને ટિકિટ મળે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપમાંથી કેટલાય નામોની ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકો પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે

ત્રણ નિરીક્ષકની પણ કરી નિમણુક 

આ ઉપરાંત ભાજપે વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રભારીની સાથે ત્રણ નિરીક્ષકની પણ નિમણૂક કરી છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ, અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા તેમજ પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારની પસંદગી માટે નિરીક્ષક સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સવારે 11 વાગ્યે સેન્સ પ્રક્રિયા કરશે. 

વાવ બેઠક પર ભાજપમાંથી આ નામોની ચર્ચા

વાવ બેઠક પર કોંગ્રેસ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીથી જીતી રહી છે એટલે ભાજપ આ બેઠક કોઈપણ ભોગે જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભાજપ માટે આ બેઠક સાખનો સવાલ છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન સાંસદ બનતા ગુજરાત ભાજપના 26માંથી 26 બેઠક પર હેટ્રિક મારવાનું ભાજપનું સપનું રોળ્યું છે. એટલે ભાજપ આ બેઠક પર જીતીને બદલો પણ લઈ શકે છે. જો કે ભાજપ માટે આ બેઠક જીતવી કપરા ચઢાણ છે. ભાજપની વાત કરીએ તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને પરબત પટેલના પુત્ર શૈલેષ ચૌધરી ટિકિટિ માટે સૌથી વધુ દાવેદાર ગણવામાં આવે છે. તો બીજી તરફ કરસનજી ઠાકોર, લાલજી પટેલ, રજની પટેલ, ગજેન્દ્રસિંહ રાણા પણ નામની પણ ચર્ચામાં છે. જો કે ટિકિટનો અંતિમ ફેસલો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થશે.

સ્વરૂપજી ઠાકોરને કરશે રિપિટ?

ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને જ મેદાને ઉતાર્યા હતા. જો કે તે વખતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે ભાજપ આ બેઠક પર તેમને રિપિટ કરશે કે કોઈ નવા ચહેરાને તક આપશે તે જોવાનું રહેશે.

મુકેશ ઠાકોરના નામની પણ ચર્ચા

ભાજપના મુકેશ ઠાકોરની વાત કરવામાં આવે તો તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે ખૂબ જ મહેનત કરી હતી. આ ઉપરાંત તેઓ શંકર ચૌધરીના નજીકના હોવાનું કહેવાય છે. આ એ જ બેઠક છે જ્યાંથી શંકર ચૌધરી 2012માં વિજેતા બન્યા હતા. આ કારણે પણ ભાજપ આ વખતે મુકેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી મુકેશ ઠાકોરને સમાજનો લાભ મળી શકે છે.

શૈલેષ ચૌધરી પણ ટિકિટ માટે દાવેદાર

ભાજપમાંથી વાવ બેઠક પર મુકેશ ઠાકોર સિવાય શૈલેષ ચૌધરી પણ દાવેદાર છે. શૈલેષ ચૌધરી 2007 વિધાનસભા બેઠક પર વિજેતા ઉમેદવાર પરબત પટેલના પુત્ર છે અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે. તેમનું ચૌધરી સમાજમાં મોટું નામ છે. વાવ બેઠક પર ઠાકોર બાદ બીજા નંબર પર ચૌધરી સમાજ આવે છે એટલે વાવ બેઠક માટે શૈલેષ ચૌધરીના નામની ચર્ચા પણ થઈ રહી છે.

(4:19 PM IST)