News of Wednesday, 16th October 2024
ગુજરાતમાં વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી : આગામી 7 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે : કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોમ સાથે વરસાદ આવશે
છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ પડ્યો : સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો : લોધીકામાં 1.5 ઇંચ, ડાંગમાં 1 ઇંચ વરસાદ વરસ્યો : થાનગઢમાં એક ઇંચ વરસાદ પડ્યો : ઉપરાંત અન્ય 31 તાલુકાઓમાં 1 MM થી લઇ 20 MM સુધી વરસાદ

અમદાવાદ તા.૧૬ : ગુજરાતમાં વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનિય છે કે, ચોમાસાની વિદાયની વાતો વચ્ચે ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરી છે. આ સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં હળવા વરસાદ વરસી શકે છે. જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ વિસ્તારના 6 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.
અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગના નિષ્ણાંત એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે ઓમાન બાજુ જતી રહી છે. જેથી હાલ ગુજરાતમાં આ સિસ્ટમની અસર નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આજે અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. આગામી ચારથી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે.
રાજ્યના જળાશયોની સ્થિતી
રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાય ગયા છે.
31 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. લોધીકામાં 1.5 ઇંચ, ડાંગમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે થાનગઢમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત અન્ય 31 તાલુકાઓમાં 1 MM થી લઇ 20 MM સુધી વરસાદ નોંધાયો છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
