<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રાજપીપળા એસટી ડેપોની ખખડધજ બસો મુસાફરો કે સ્ટાફ માટે જોખમી, અધિકારીઓ ચૂપ કેમ છે..?!!

અમુક બસો લાખો કિલોમીટર ફરી જવા છતાં તેને પરાણે રૂટ પર મોકલી લોકોના જીવન સાથે ખેલ ? કેટલીક બસોમાં ખામી હોવા છતાં તેની યોગ્ય અને ટકાઉ કામગીરી નહિ થતા અધવચ્ચે રસ્તામાં પણ બસ ખોટકાઈ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક અને ત્યાં આવેલા જિલ્લાના મોટા એસટી ડેપોનું સંચાલન તદ્દન બગડી ગયું હોવાનું ચર્ચાય છે જેમાં ખાસ કરીને આ ડેપોની વર્ષો જૂની ખખડધજ બસો મુસાફરો અને ડ્રાઈવર તથા કંડકટર માટે જોખમી છે છતાં તેને જાણે પરાણે રૂટ પર મોકલી લોકોના જીવન સાથે રીતસર નો ખેલ ખેલાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે તો અધિકારીઓ કેમ ચૂપ બેઠા છે એ સમજાતું નથી, શું કોઈ મોટી દુર્ઘટના બાદ અધિકારીઓ ની આંખ ખલશે..?

.આ ડેપો માં સરકારે ઘણી નવી બસો ફાળવી આપી છે પણ ડેપો માં નાની કે મોટી ખામી માં કામચલાઉ રીપેરીંગ થતું હોવાથી નાની ખામી પણ આવનારા દિવસોમાં મોટી થઈ શકે છે ડેપો માં બગડેલી બસો ની યોગ્ય અને ટકાઉ કામગીરી થતી નહિ હોવાની પણ વાતો સંભળાઈ છે અને તેના કારણે જ જે તે રૂટ પર જતી બસોના ડ્રાઈવર અને કંડકટર સાથે મુસાફરો પણ હેરાન થઈ રહ્યા છે.
તાજેતરમાં રાજપીપળાથી વડોદરા (કીર્તિ) ફરતી ૭૩૭૩ નંબરની બસમાં ડ્રાઈવર કેબિન પાછળ આવેલ વાયરીંગના બોક્ષનું પતરા નું કવર જે પહેલેથી જ એકદમ ઢીલું હતું તે અચાનક છૂટું પડીને અંદર સીટ પર બેઠેલા એક મુસાફરના પગ ઉપર પડ્યું હતું. જોકે તેમાં કોઈને ઇજા થઇ નથી પરંતુ આવી નાની નાની ખામી પણ આ ડેપો માં દૂર કરાતી ના હોય તો વાયરીંગમાં શોર્ટ સર્કિટ કે આગ લાગવાની ઘટના પણ બની શકે છે માટે ડેપોના અધિકારી અને ભરૂચ બેઠેલા ઉપરી અધિકારી આ મુદ્દાને ગંભીરતાથી લઇ યોગ્ય કામગીરી કરાવે એ જરૂરી છે.
ભરૂચ બેઠેલા અધિકારીઓ રાજપીપળા ડેપોના સંચાલન બાબતે તપાસ કરી યોગ્ય કામગીરી થાય છે કે નહિ એ બાબતની ચકાસણી કરે જેમાં ખાસ કરીને ડેપોના વર્કશોપમાં બસોની યોગ્ય મરામત કરાઈ એ દિશા માં કામ કરાવે તો કોઈ તકલીફ નહિ રહે, ભરૂચથી રાજપીપળા વિઝીટમાં આવતા અધિકારીને કેમ આ ડેપોની વેઠ ઉતારતી કામગીરી નજરે પડતી નથી..? શું ખાલી વિઝીટ મારી સબ સલામતના દાવા જ કરવામાં આવે છે..?

(1:00 AM IST)