<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

થરાદના સણધર પૂલ પાસે પિતા-પુત્રએ કેનાલમાં ઝંપલાવ્યું

પિતા અને આશરે પાંચ વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરતાં પંથકમાં અરેરાટીઃ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો

વાવ, તા.૨૦,

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શુક્રવારે સવારે ૮.૩૦ કલાકે વાવના ગ્રામીણ વિસ્તારના પિતાએ પાંચ વર્ષના પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી મૃતદેહને બહાર કાઢ્યાં હતાં. બનાવને પગલે કેનાલ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નર્મદાની મુખ્ય નર્મદા કેનાલમાં સણધર પૂલ નજીક સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ પિતાએ પુત્ર સાથે ઝંપલાવ્યું હોવાની જાણ થઈ હતી. સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ કરવા છતાં મૃતદેહ હાથ લાગ્યા નહોતા. બાદમાં ૧૧.૩૩ વાગ્યાની આસપાસ થરાદ પાલિકાના ફાયર વિભાગને કોલ મળતાં ઘટનાસ્થળે પહોંચી ૧૨.૪૫ કલાકે પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પુત્રના મૃતદેહ માટે શોધખોળ કર્યા બાદ ૩.૪૭ વાગે પુત્રનો મૃતદેહ પણ તરવૈયાઓને હાથ લાગ્યો હતો. પિતાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી અને પુત્રનાં મૃતદેહને તેમના વાલી-વારસાને સોંપ્યો હતો. મૃતક વાવ તાલુકાના મેહુલભાઈ પંડ્યા અને પુત્ર શ્રેયાંસ મેહુલભાઈ પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

(11:33 AM IST)