<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

છેલ્લા બે દિવસના વરસાદથી મગફળી-કપાસને પારાવાર નુકશાનઃ સરકાર દ્વારા તાકીદની સમીક્ષા

અગાઉની નુકશાનીનું રાહત પેકેજ તૈયાર થતુ હતુ ત્‍યાં નવી આફત વરસી ગઇકાલથી આજ સવાર સુધીમાં ૬૯ તાલુકાઓમાં વરસાદઃ ખેડૂતો ચિંતિત

રાજકોટ તા. ર૧ :.. રાજયમાં ચોમાસાનો સમયગાળો પૂર્ણ થઇ ગયા પછી પણ વરસાદ ચાલુ રહેતા ખેડૂતોની માઠી દશા થઇ ગઇ છે. પાકને ભયંકર નુકશાન થઇ રહ્યું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને પારાવાર નુકશાન થયું છે. સરકાર અગાઉ વાવેતરની નુકશાનીના વળતરરૂપે રાહત પેકેજ તૈયાર કરી રહી હતી ત્‍યાં ફરી છેલ્લા બે દિવસથી ચોમાસા જેવો માહોલ થઇ જતા તાદિકની સમીક્ષા માટે ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

છેલ્લા બે દિવસમાં મોટાભાગના વિસ્‍તારોમાં ઓછો કે વધુ વરસાદ પડયો છે. આ વખતના વરસાદથી સંગ્રહિત થનાર પાણી શિયાળુ પાક માટે ઉપયોગી થશે પણ અત્‍યારે રવિ પાક માટે આફતરૂપ છે. ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં રાજયના રપ જિલ્લાઓના ૬૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં લોધિકા તાલુકામાં પ ઇંચ  મોરબીમાં ૩ાા ઇંચ, માળીયા હાટીનામાં રાા ઇંચ, કુંકાવાવ વડિયામાં રાા ઇંચ, કાલાવાડ, રાણાવાવ અને રાજકોટમાં ર ઇંચ, કલ્‍યાણપુર, થાન, જુનાગઢ, કડી, વાંકાનેર, ગઢડા, કોટડાસાંગાણી, ખંભાળીયા, વગેરે તાલુકાઓના દોઢ થી બે ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. સરકારે સર્વેની પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડે તેવી સ્‍થિતિ છે.

મગફળીનો પાક તૈયાર થઇ ગયો હતો. અમૂક ખેડૂતોએ ખેતરમાંથી ઉપાડી લીધેલી મગફળી પર વરસાદ પડયો છે. ખેતરમાં વાવેતર સ્‍વરૂપે રહેલી કે ઉપાડીને ખેતરમાં રાખેલી મગફળી પર પડતો વરસાદ અતિ નુકશાનકારક છે. કપાસના વાવેતરને પણ ખૂબ નુકશાન થયુ છે. ચોમાસાની શરૂઆતમાં થયેલ નુકશાન કરતા ખેતીને અત્‍યારે થયેલ વરસાદ વધુ નુકશાનકારક છે. ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી છે.

(1:36 PM IST)